<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

રોજગારની ભયાનક વાસ્તવિકતા: મુઝફ્ફરપુરમાં પટાવાળા અને રસોઈયાની નોકરી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ મહિલાઓની હોડ, એક પદ માટે આવી ૧૫૦થી વધુ અરજીઓ

ઓકટોબરની ૭૫%થી વધુ અરજદારો ઉચ્ચ શિક્ષિત સ્નાતક અને અનુસ્નાતક; રૂ. ૧૧,૫૦૦ના માસિક વેતન માટે પણ ડિગ્રીધારકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર

મુઝફ્ફરપુર, તા.૨૪: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી દેશમાં વધી રહેલી બેરોજગારી અને સરકારી નોકરીઓ પ્રત્યેના ઘેલછા ચિત્રિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ખાતે પટાવાળા અને રસોઈયાની જગ્યાઓ માટે ચાલી રહેલી કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન ઉચ્ચ શિક્ષિત મહિલાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે પટાવાળાના માત્ર એક પદ માટે ૧૫૦થી વધુ અરજીઓ મળી છે, જેમાં ૮૦ ટકાથી વધુ ઉમેદવારો સ્નાતક (Graduate) અને અનુસ્નાતક (Post Graduate) ડિગ્રી ધરાવે છે.

 

પટાવાળા પદ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માત્ર ૧૦મું ધોરણ (મેટ્રિક) પાસ રાખવામાં આવી હતી. જોકે, કાઉન્સેલિંગ દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરતા અધિકારીઓ પણ એ સમયે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેમણે જોયું કે અરજી કરનાર એક પણ મહિલા માત્ર ૧૦મું પાસ નથી, પરંતુ તમામ અરજદારો ઇન્ટરમીડિએટ, ગ્રેજ્યુએટ અથવા પોઈન્ટ ગ્રેજ્યુએટ છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કુમાર અરવિંદ સિંહાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં મેટ્રિક કે ઇન્ટરમીડિએટ પાસ મહિલાઓ આવી નોકરીઓ માટે આવતી હતી, પરંતુ આટલી મોટી સંખ્યામાં માસ્ટર ડિગ્રી ધરાવતી મહિલાઓનું પટાવાળા બનવા માટે આવવું ચિંતાજનક છે.

 

માત્ર ૧૧,૫૦૦ રૂપિયાના માસિક માનદવેતન ધરાવતી આ નોકરી માટે અરજી કરનાર ઉચ્ચ શિક્ષિત મહિલાઓનું કહેવું છે કે, વર્તમાન સમયમાં સરકારી કે અર્ધ-સરકારી ક્ષેત્રે નોકરી મેળવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. સુવિધાઓ અને ભવિષ્યમાં વેતન વધારાની આશાએ તેઓ આ નાની નોકરી પણ સ્વીકારવા તૈયાર થઈ છે. પટાવાળા ઉપરાંત ૭ રસોઈયા અને ૨૮ સહાયક રસોઈયાની ભરતી માટે પણ આવી જ રીતે ઉચ્ચ શિક્ષિત મહિલાઓ કાઉન્સેલિંગ માટે લાઈનમાં ઊભેલી જોવા મળી રહી છે.

 

(5:24 PM IST)