News of Saturday, 18th July 2026
હોર્મુઝમાં મહાયુદ્ધ: અમેરિકાએ ઈરાનના પાવર પ્લાન્ટ-પુલ તોડ્યા : જવાબી કાર્યવાહીમાં કુવૈત પર મિસાઈલોનો પ્રચંડ વરસાદ
યુએસ સેન્ટ્રલ કમાન્ડના સતત સાતમી રાત્રિના હુમલાથી ઈરાનમાં ભયાનક તબાહી, ૪૬ના મોત : તેહરાને કુવૈતના વોટર પ્લાન્ટને નિશાન બનાવતા મિડલ ઈસ્ટમાં એરસ્પેસ બંધ : ક્રૂડ ઓઈલ 86 ડૉલરને પાર

તેહરાન: હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણ અને વર્ચસ્વને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે અત્યંત વિનાશક અને લોહિયાળ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. શનિવારે બંને સૈન્ય સત્તાઓએ એકબીજાના વ્યૂહાત્મક સ્થાપનો પર ભીષણ બોમ્બમારો શરૂ કર્યો છે, જેના કારણે મિડલ ઈસ્ટમાં શાંતિની તમામ આશાઓ રોળાઈ ગઈ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે સતત સાતમી રાત્રે ઈરાનની લશ્કરી લોજિસ્ટિક્સ, અંડરગ્રાઉન્ડ શસ્ત્ર ડેપો અને મોનિટરિંગ સાઇટ્સને ધ્વસ્ત કરી દીધી છે. અમેરિકાના આ ઘાતક હવાઈ હુમલામાં દક્ષિણ હોર્મોઝગન પ્રાંતના મહત્વપૂર્ણ પુલો અને પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યા મુજબ ઈરાનના પાવર પ્લાન્ટ્સ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે, જેના કારણે બંદર અબ્બાસને તેહરાન સાથે જોડતો કનેક્ટિવિટી રૂટ તૂટી ગયો છે અને ઉર્જા મંત્રાલયે દેશમાં વીજળી બચાવવાની કટોકટી જાહેર કરવી પડી છે.
અમેરિકાના આ પ્રચંડ પ્રહારોથી ભડકેલા ઈરાને પશ્ચિમી દેશોના સાથી ગણાતા કુવૈત પર સેંકડો બેલિસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનનો ભયાનક વરસાદ શરૂ કર્યો છે. ઈરાની મિસાઈલો સીધી કુવૈતના મુખ્ય ડિસેલિનેશન પ્લાન્ટ (મીઠા પાણી બનાવવાના પ્લાન્ટ) પર ત્રાટકતાં ત્યાં ભીષણ આગ ફાટી નીકળી છે. ઉલ્લેખનીય છે કે કુવૈત પોતાના પીવાના પાણીની ૯૦ ટકા જરૂરિયાત આ જ પ્લાન્ટથી પૂરી કરે છે, જેના પર છેલ્લા બે દિવસમાં આ બીજો મોટો હુમલો છે. આ ભયાનક સુરક્ષા કટોકટીને પગલે કુવૈતે તાત્કાલિક ધોરણે પોતાનું હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) બંધ કરી દીધું છે અને તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. આ સિવાય ઇરાકે પણ પોતાના એર્બિલ શહેર પર ઘૂસી આવેલા ઈરાની ડ્રોનને તોડી પાડ્યા છે, જ્યારે જોર્ડન અને બહેરીનમાં પણ મિસાઈલ હુમલાના સાયરન ગુંજી ઉઠ્યા છે.
આ મહાયુદ્ધમાં બંને પક્ષે અભૂતોપૂર્વ જાનમાલનું નુકસાન થયું છે. ઈરાની સરકારી મીડિયાના અહેવાલ મુજબ અમેરિકી બોમ્બમારામાં અત્યાર સુધીમાં ૪૬ નાગરિકો અને સૈનિકો માર્યા ગયા છે અને ૪૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, અમેરિકી સૈન્યએ પણ સ્વીકાર્યું છે કે સોમવારથી અત્યાર સુધીમાં તેમના વધુ ૧૩ સૈનિકો ઘાયલ થયા છે, જેના કારણે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૧૪ અમેરિકી જવાનો સત્તાવાર રીતે માર્યા ગયા છે અને ૪૨૭ ઘાયલ થયા છે. હોર્મુઝ સ્ટ્રેટની આ નાકાબંધીના કારણે વૈશ્વિક તેલ બજારમાં પણ ભૂકંપ આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૮૬ યુએસ ડૉલરને પાર પહોંચી ગઈ છે. આ ભયંકર તણાવ વચ્ચે વ્હાઇટ હાઉસમાંથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જનતાને સંબોધતા દાવો કર્યો છે કે, "અમે ઈરાનમાં એક મોટી સૈન્ય સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ અને તેના પરિણામો ટૂંક સમયમાં જ સમગ્ર વિશ્વ સમક્ષ હશે."
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
