<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ભારતીય અર્થતંત્રમાં 'મહાસુનામી': વિદેશી હૂંડિયામણ ભંડાર $14.1 અબજ ઉછળીને $707 અબજના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો!

.રિઝર્વ બેંકના આંકડા અનુસાર માત્ર એક જ સપ્તાહમાં ₹1.20 લાખ કરોડનો જંગી વધારો : સોનાના ભંડાર અને FCAમાં રેકોર્ડબ્રેક વધારાથી ગ્લોબલ માર્કેટમાં રૂપિયો વધુ મજબૂત બનશે

મુંબઈ :  વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે અત્યાર સુધીના સૌથી મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, 7 ઓગસ્ટ, 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર  માં $14.136 અબજ (આશરે રૂ. 1.20 લાખ કરોડ)નો આંખો આંજી દે તેવો જંગી વધારો થયો છે. આ રેકોર્ડબ્રેક ઉછાળા સાથે દેશની કુલ અનામત સંપત્તિ વધીને $707.002 અબજ (રૂપિયાની દ્રષ્ટિએ આશરે ₹67.32 લાખ કરોડ)ના અત્યંત મજબૂત સ્તરે પહોંચી ગઈ છે, જે દેશની નાણાકીય સુરક્ષા માટે બુલંદ કવચ સમાન છે.

આ સપ્તાહમાં થયેલા અભૂતપૂર્વ વધારામાં સૌથી મોટો ફાળો ફોરેન કરન્સી એસેટ્સ  અને ગોલ્ડ રિઝર્વનો રહ્યો છે. રિઝર્વ બેંકના ડેટા મુજબ, વિદેશી હૂંડિયામણ અસ્કયામતો $9.946 અબજ વધીને $574.625 અબજે પહોંચી છે, જ્યારે સુરક્ષિત રોકાણ ગણાતા ભારતના સોનાના ભંડારમાં $3.995 અબજનો તગડો વધારો નોંધાતાં તે $108.738 અબજના સ્તરે પહોંચી ગયો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે રહેલા સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ  વધીને $18.745 અબજ અને અનામત સ્થિતિ $4.894 અબજ થઈ ગઈ છે, જે માર્ચ 2026 પછીનો સૌથી મોટો સકારાત્મક ગ્રોથ દર્શાવે છે.

નાણાકીય નિષ્ણાતોના મતે વિદેશી હૂંડિયામણના ભંડારમાં આ વિશાળ ઉછાળો ભારતીય ચલણ 'રૂપિયા' માટે સંજીવની સમાન સાબિત થશે. વૈશ્વિક બજારમાં ડોલર સામે રૂપિયો જ્યારે પણ દબાણમાં આવશે, ત્યારે RBI આ અનામત ભંડારનો ઉપયોગ કરીને બજારમાં હસ્તક્ષેપ કરી શકશે અને રૂપિયાના મૂલ્યને તૂટતું અટકાવી શકશે. ઈંધણ અને અન્ય આવશ્યક વસ્તુઓની આયાત ચુકવણી, વિદેશી દેવાની ભરપાઈ અને વૈશ્વિક મંદીના આંચકાઓ સામે રક્ષણ મેળવવા માટે ભારતનું આ 'ફોરેક્સ કવચ' હવે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ બમણો કરશે.

(7:37 PM IST)