<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

બંગાળની રાજનીતિમાં મહા-ભૂકંપ: ભાજપ સામે પરાજય બાદ મમતા બેનર્જી આક્રમક : મુખ્ય ચૂંટણી કમિશનરની ધરપકડ અને દેશભરમાં ફરીથી ચૂંટણીની કરી માંગ

૭૯ લાખ મતો રદ કરી ભાજપને જીતાડવાનું ષડયંત્ર રચાયું હોવાનો દાવો કરી વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને બંધારણીય યુદ્ધ છેડવા અપીલ

કોલકાતા:  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં તૃણમૂલ કોંગ્રેસના કૂચડા બોલી ગયા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીએ ભારતીય રાજકારણમાં મોટો ધડાકો કર્યો છે. બુધવાર, ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પોતાના હજારો આક્રોશિત સમર્થકોને સંબોધતા મમતા બેનર્જીએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશ કુમાર સામે ગંભીર આરોપો લગાવી તેમની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવાની આકરી માંગ કરી છે. "બંગાળ જ નહીં, જ્ઞાનેશ કુમારની દેખરેખ હેઠળ દેશના જે પણ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ છે તે તમામ ચૂંટણીઓ રદ કરીને ફરીથી મતદાન કરાવવું જોઈએ," તેવો બોમ્બ ફોડીને તેમણે દેશના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે.

મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને શાસક ભાજપ વચ્ચે ખુલ્લેઆમ મિલીભગત અને મોટું ષડયંત્ર રચાયું હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, ૨૦૨૬ની ચૂંટણી પહેલાં રાતોરાત લાવવામાં આવેલી 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા દ્વારા તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોના નામો મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી વચ્ચે અચાનક આશરે ૭૯ લાખ (૭.૯ મિલિયન) મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવાયા હતા. મમતાના મતે, ચૂંટણી પંચે ડુપ્લિકેટ અને મૃત મતદારોના નામે ભાજપને સીધો રાજકીય ફાયદો પહોંચાડવા માટે જ આ મોટો ખેલ ખેલ્યો હતો, જેથી જ્ઞાનેશ કુમારને હવે પોતાના પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.

નોંધનીય છે કે, ૨૯૪ બેઠકો ધરાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભાની તાજેતરની ચૂંટણીના પરિણામોમાં BJPએ ૨૦૭ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સરકાર બનાવી છે, જ્યારે TMC માત્ર ૮૦ બેઠકો પર સિમિત રહી ગઈ હતી. આ ઐતિહાસિક હારને પચાવી ન શકતા મમતા બેનર્જીએ હવે સીધો ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો છે. તેમણે જાહેરાત કરી છે કે ઈન્ડિયા  ગઠબંધન દેશભરમાં આ મુદ્દે આંદોલન ચાલુ રાખશે અને બંધારણીય તેમજ ન્યાયિક માર્ગે ચૂંટણી પંચની આ કાર્યવાહીને સર્વોચ્ચ અદાલતમાં પડકારશે, જેનાથી આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ અને દિલ્હીના રાજકારણમાં ભીષણ ટકરાવ થવાની પૂરેપૂરી શક્યતા છે.

(6:39 PM IST)