<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

AIની દુનિયામાં મહા-બ્લેકઆઉટ: ChatGPT, Claude અને Grok એકસાથે ઠપ્પ – વિશ્વભરના લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા!

OpenAI, Anthropic અને X ના ચેટબોટ્સમાં ટેકનિકલ ખામી સર્જાતા ગ્લોબલ સર્વર ડાઉન; ડાઉનડિટેક્ટર પર હજારો યુઝર્સે નોંધાવી ફરિયાદો

વોશિંગ્ટન : આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર નિર્ભર રહેતા વિશ્વભરના કરોડો યુઝર્સ માટે ગુરુવારની સાંજ આંચકાજનક સાબિત થઈ હતી. અચાનક એકસાથે વિશ્વના સૌથી લોકપ્રિય AI પ્લેટફોર્મ્સ—OpenAIનું ChatGPT, Anthropicનું Claude અને એલોન મસ્કના Xનું Grok—તમામના સર્વર ડાઉન થઈ જતાં વૈશ્વિક સ્તરે મોટો ટેકનિકલ ધડાકો થયો હતો.

 

આઉટેજ અને સર્વર ડાઉન ટ્રેક કરતી વેબસાઇટ 'ડાઉનડિટેક્ટર' (Downdetector) અનુસાર, ગુરુવારે રાત્રે આ ત્રણેય મુખ્ય AI ચેટબોટ્સમાં એકસાથે ગંભીર સમસ્યાઓ જોવા મળી હતી. એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં જ એક જ સમયે ChatGPT માં ખામીના ૩૫,૦૦૦થી વધુ, Claude માં ૧,૪૦૦થી વધુ અને Grok માં ૧,૨૦૦થી વધુ અહેવાલો નોંધાયા હતા. ભારતમાં પણ રાત્રે ૮.૨૦ વાગ્યા સુધીમાં ChatGPT ની ૨,૮૦૦થી વધુ ફરિયાદો સામે આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ, ડેવલપર્સ અને કામકાજી લોકોનું કામ અટકી પડ્યું હતું.

 

ટેકનિકલ ખામી સર્જાયા બાદ OpenAI એ તરત જ સ્વીકાર્યું હતું કે "ChatGPT અને Codex માં એલિવેટેડ એરર્સ" આવી રહી છે અને તેમની ટીમ આ સમસ્યાની તપાસ કરી રહી છે. આ તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે પણ OpenAI એ X પર તારાઓ ફરતા હોય તેવો એક ટીઝર વિડીયો શેર કર્યો હતો, જેની સાથે તેમણે "સાયબર સુરક્ષા ક્ષમતામાં મોટો વધારો ધરાવતા 'Astra' ના લોન્ચિંગ" તરફ ઈશારો કર્યો હતો.

 

બીજી તરફ, Anthropic એ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમના 'Claude Mythos 5.1, Fable 5.1 અને Opus 5' મોડેલ્સમાં ભૂલોનું મુખ્ય કારણ શોધી કાઢવામાં આવ્યું છે અને તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. એલોન મસ્કની AI સિસ્ટમ Grok એ પણ પોતાની સેવાઓ ખોરવાઈ હોવાનું સ્વીકારીને શક્ય તેટલી ઝડપે પ્લેટફોર્મ પૂર્વવત કરવાનું આશ્વાસન આપ્યું હતું. એકસાથે મુખ્ય AI પ્લેટફોર્મ્સ ડાઉન થવાની આ ઘટનાએ ફરી એકવાર વૈશ્વિક ડિજિટલ નિર્ભરતા પર મોટા સવાલો ઊભા કર્યા છે.

(9:05 PM IST)