તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
દાદાની મિલકતમાં પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર નથી
સુપ્રીમ કોર્ટે પૈતૃક સંપત્તિના મામલે સીમાચિホરૂપ ચુકાદો સંભળાવ્યો : દાદાની મિલકતના ભાગલા થયા પછી પિતાના હિસ્સામાં આવેલી જમીન પર પૌત્ર જન્મસિદ્ધ અધિકારનો દાવો કરી શકતો નથીઃ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ આવી મિલકત પિતાની અંગત સંપત્તિ ગણાય છે

નવી દિલ્હી તા.૧૩: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ પૈતૃક સંપત્તિના અધિકારો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દાદાની મિલકતની વહેંચણી થયા બાદ પિતાના હિસ્સામાં આવેલી જમીન કે મિલકત પર પૌત્ર જન્મના આધારે પોતાનો હક માંગી શકે નહીં. હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની જોગવાઈઓ મુજબ પિતાને વારસામાં મળેલી આવી મિલકત તેમની અંગત માલિકીની ગણાય છે, જેથી પિતા જીવિત હોય ત્યાં સુધી પુત્ર કે પૌત્ર તેમાં દાવો કરી શકતો નથી.
જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ અને જાસ્ટિસ સુનિતા અગ્રવાલની સંયુક્ત ખંડપીઠે આ ઐતિહાસિક ફેંસલો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ (Hindu Succession Act, 1956) ની કલમ ૮ અનુસાર, કોઈ પણ વ્યક્તિના નિધન બાદ તેની મિલકત સૌપ્રથમ ક્લાસ-૧ વારસદારોને મળે છે. જ્યારે ભાગલા થઈ જાય ત્યારે તે સંયુક્ત હિન્દુ પરિવાર મિલકત રહેતી નથી, પરંતુ તે વારસદારની સંપૂર્ણ વ્યક્તિગત મિલકત બની જાય છે. આથી પુત્ર કે પૌત્રનો તેના પર કોઈ જન્મજાત દાવો બનતો નથી.
આ સમગ્ર મામલો વર્ષ ૧૯૯૭ માં તમિલનાડુ (Tamil Nadu) માં દાખલ થયેલા એક દીવાની મુકદ્દમા (Civil Suit) સાથે જોડાયેલો છે. અરજદાર જ્યારે સગીર હતો ત્યારે તેની માતા મારફતે દાદાની જમીનમાં અડધા હિસ્સા અને કબજાની માંગ સાથે કેસ કરવામાં આવ્યો હતો. અરજદારની દલીલ એવી હતી કે આ જમીન સંયુક્ત પરિવારની પૈતૃક મિલકત હોવાથી તેનો પણ તેના પર જન્મજાત અધિકાર છે.
વાસ્તવમાં અરજદારના દાદાની મિલકતની વહેંચણી માટે તેની ફોઈએ કેસ કર્યો હતો. વર્ષ ૧૯૯૪ માં થયેલા સમાધાન કરારના આધારે અમુક જમીન પિતાના હિસ્સામાં આવી હતી. યોગાનુયોગે અરજદારનો જન્મ પણ વર્ષ ૧૯૯૪ માં જ થયો હતો. ત્યારબાદ પિતાએ વર્ષ ૧૯૯૭ માં આ જમીન બે અન્ય ખરીદદારોને કાયદેસર દસ્તાવેજ કરી વેચી દીધી હતી, જેને પુત્રએ કોર્ટમાં પડકારી હતી.
સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોટે (Madras High Court) ના ચુકાદાને માન્ય રાખતા જણાવ્યું કે, પિતા હયાત હોય ત્યારે પૌત્ર ક્યારેય દાદાની મિલકતનો સીધો વારસદાર બની શકતો નથી. દાદાના અવસાન સમયે જ વારસો ખુલી ગયો હતો અને કાયદેસર ભાગલા પછી દરેક વારસદાર પોતાના હિસ્સાનો સ્વતંત્ર માલિક બની ચૂક્યો હતો.
ખંડપીઠે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે અરજદારે વર્ષ ૧૯૯૪ ના સમાધાન કરાર કે પિતા દ્વારા વર્ષ ૧૯૯૭ માં કરવામાં આવેલા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ (Sale Deeds) ને કાયદાકીય રીતે પડકાર્યા નહોતા. માત્ર જન્મના આધારે અડધા ભાગની માંગણી સ્વીકારી શકાય નહીં. આ સાથે સર્વોચ્ચ અદાલતે પુત્રની અપીલ સંપૂર્ણપણે ફગાવી દીધી હતી
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
