<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

નાનપણમાં જાતીય શોષણ કરનારા દાદાને ૨૦ વર્ષની પૌત્રીએ બેટ ફટકારીને મારી નાખ્‍યા

ઇન્‍દોરની ચોંકાવનારી ઘટના

ઇન્‍દોર,તા.૬: ઇન્‍દોરમાં રવિવારે વહેલી સવારે ૨૦ વર્ષની એક યુવતીએ તેના દાદાના ઘરે જઈને ક્રિકેટ બેટના ફટકા મારીને તેમની હત્‍યા કરી હતી. આ યુવતીની ધરપકડ કરવામાં આવી છે અને તેણે પોલીસને જણાવ્‍યું હતું કે જ્‍યારે તે નાની હતી ત્‍યારે દાદાએ તેનું જાતીય શોષણ કર્યું હતું.

આ કેસ વિશે બોલતાં પોલીસે જણાવ્‍યું હતું કે મોડેથી ઘરે પાછા ફરવા બાબતે માતા-પિતા સાથે થયેલા ઝઘડાને કારણે આ કોલેજિયન યુવતીને મનમાં બાળપણની પીડાદાયક ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી અને તેણે એ શોષણનો બદલો લેવાનું નક્કી કર્યું હતું.

પૂછપરછમાં આરોપી પૌત્રીએ પોલીસને જણાવ્‍યું હતું કે તે સગીર હતી ત્‍યારે તેની નાની બહેન, મમ્‍મી અને પપ્‍પા સાથે તેનાં દાદા-દાદીના ઘરે રહેતી હતી. તેનો આરોપ છે કે તેના દાદાના ખરાબ ઇરાદા હતા અને તેમણે તેની સાથે ઘણી વખત ખરાબ વર્તન કર્યું હતું. તેણે આ વિશે તેનાં મમ્‍મી-પપ્‍પાને ફરિયાદ કરી હતી. ત્‍યાર બાદ તેનાં મમ્‍મી-પપ્‍પા એક અલગ ઘરમાં રહેવા ગયાં અને પરિવાર ત્‍યાં રહેવા ગયો હતો.

ઘટનાની રાત્રે યુવતી મોડી ઘરે આવી હતી. તેનાં મમ્‍મી-પપ્‍પાએ કમેન્‍ટ કરી કે તું મોડી રાત્રે ભટકતી રહે છે, તારી સાથે કંઈક ખરાબ થઈ શકે છે. આ સમયે યુવતીએ મમ્‍મી-પપ્‍પા સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે દાદાએ ઘરમાં તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું ત્‍યારે તમે કેમ ચૂપ રહ્યાં હતાં.

(10:27 AM IST)