<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

દિલ્હીમાં 'હર ઘર તિરંગા' અભિયાનની ભવ્ય તૈયારીઓ શરૂ : સ્થાનિક સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાશે ૨ લાખ રાષ્ટ્રધ્વજ : કુલ ૧૫ લાખ તિરંગાનું કરાશે વિતરણ

મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ અને દેશભક્તિનો અનોખો સંગમ : રાષ્ટ્રધ્વજ સંહિતા ૨૦૦૨ અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ના કડક પાલન સાથે ગુણવત્તાયુક્ત તિરંગા ઘરે-ઘરે પહોંચાડવા સરકાર કટિબદ્ધ

નવી દિલ્હી, રવિવાર:સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દિલ્હી સરકારે 'હર ઘર તિરંગા' અભિયાન માટેની પોતાની તૈયારીઓને તેજ કરી દીધી છે. આ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા દિલ્હી સરકાર સ્થાનિક સ્વ-સહાય જૂથો (SHGs) પાસેથી અંદાજે ૨ લાખ જેટલા ત્રિરંગાની સીધી ખરીદી કરશે. આ વ્યાપક પહેલનો મુખ્ય હેતુ શહેરમાં ૧૫ લાખથી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને દેશભક્તિ, જનભાગીદારી અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ગામેગામ અને ઘરે-ઘરે પહોંચાડવાનો છે.

દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય શહેરી આજીવિકા મિશન હેઠળ જોડાયેલા પાત્ર સ્વ-સહાય જૂથોને રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાની આ ગૌરવપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણય દ્વારા સરકાર માત્ર રાષ્ટ્રધ્વજની ઉપલબ્ધતા વધારવા પૂરતી સીમિત રહેવા માંગતી નથી, પરંતુ સ્વ-સહાય જૂથોના આર્થિક સશક્તિકરણ માટે પણ નવી તકો ઊભી કરવા માંગે છે. સ્થાનિક સ્તરે ધ્વજનું ઉત્પાદન થવાથી મહિલાઓ અને નાના ઉદ્યોગકારોને રોજગારી મળી રહેશે, જે આ અભિયાનનું એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક પાસું છે.

આ રાષ્ટ્રીય પર્વની ગરિમા જળવાય તે હેતુથી સરકારે સ્પષ્ટતા કરી છે કે સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતો દરેક ધ્વજ રાષ્ટ્રધ્વજ સંહિતા, ૨૦૦૨ અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧ ના કડક નિયમોનું ચુસ્તપણે પાલન કરશે. દરેક ધ્વજ રાષ્ટ્રના ગૌરવ અને ગરિમાનું પ્રતીક હોય છે, તે સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત તકનીકી ધોરણોને જ પ્રાધાન્ય આપવામાં આવશે. ધ્વજની ગુણવત્તા બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં, જેથી નાગરિકો તેને પૂરા માનભેર પોતાના ઘરો પર લહેરાવી શકે.

આ અભિયાનને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે દિલ્હી સરકાર ઓનલાઈન બજારોમાંથી પણ વધારાના રાષ્ટ્રધ્વજની ખરીદી કરશે. સરકારી તંત્ર અને સ્વ-સહાય જૂથોના આ સંયુક્ત પ્રયાસોથી દિલ્હીના પ્રત્યેક ખૂણે તિરંગા પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આઝાદીના પર્વે જ્યારે દરેક ઘર પર તિરંગો લહેરાશે, ત્યારે તે સમગ્ર રાષ્ટ્રમાં એકતાનું અદભુત વાતાવરણ ઉભું કરશે અને નવી પેઢીમાં દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવશે.

અગાઉના વર્ષોમાં પણ 'હર ઘર તિરંગા' અભિયાનને દેશભરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થિત અને આયોજનબદ્ધ કામગીરી સ્પષ્ટ દર્શાવે છે કે સરકાર આ ઉત્સવને લોકભાગીદારીથી એક યાદગાર ઘટના બનાવવા માંગે છે. આગામી દિવસોમાં ધ્વજનું વિતરણ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે, જેના માટે વહીવટી સ્તરે લોજિસ્ટિક્સ અને વિતરણ કેન્દ્રોની સંપૂર્ણ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. દરેક નાગરિક સ્વતંત્રતા દિવસના પર્વે ગર્વ સાથે ત્રિરંગાને નમન કરી શકે તે માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે.

(4:50 PM IST)