News of Friday, 30th October 2026
નાશિકમાં કાલથી જગવિખ્યાત સિંહસ્થ કુંભમેળાનો ભવ્ય પ્રારંભ
૩૧ ઓક્ટોબરથી ૨૪ જુલાઈ, ૨૦૨૮ સુધી સતત ૨૧ મહિના અને ૨૨ દિવસ સુધી ચાલશે આસ્થાનો મહાસાગર: ૨૦૨૭માં ચાર મુખ્ય અમૃતસ્નાનની તારીખો: લાખો શ્રદ્ધાળુઓ ઊમટશે : ૧૨ વર્ષે યોજાતા આ મહાકુંભનો આવતીકાલે શનિવારે બપોરે ૧૨.૦૨ વાગ્યે ધર્મધ્વજારોહણ સાથે પ્રારંભ : પ્રથમ અમૃતસ્નાન ૨ ઓગસ્ટ, બીજું ૩૧ ઓગસ્ટ અને અંતિમ અમૃતસ્નાન નાશિકમાં ૧૧ તથા ત્ર્યંબકેશ્વરમાં ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૭ના રોજ : લાંબા સમયગાળા પાછળ ધાર્મિક પરંપરા, ગુરુ ગ્રહની સ્થિતિ અને વિશેષ ધાર્મિક અનુષ્ઠાનોનો સંબંધ

(સુનિલ રાયચુરા અને સ્મિતા રાયચુરા દ્વારા) નાશિક, તા. ૩૦ : મહારાષ્ટ્રના નાશિક અને ત્ર્યંબકેશ્વરમાં આવતીકાલે શનિવાર, તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬થી વિશ્વપ્રસિદ્ધ સિંહસ્થ કુંભમેળાનો વિધિવત્ પ્રારંભ થઈ રહ્યો છે. આ ધાર્મિક મહામેળો સામાન્ય મેળાઓ કરતાં અસાધારણ રીતે લાંબો ચાલનાર છે. તેની શરૂઆત આવતીકાલે થશે અને તા. ૨૪ જુલાઈ, ૨૦૨૮ના રોજ ધર્મધ્વજ ઉતારવાની વિધિ સાથે સમાપન થશે. આમ, કુંભમેળાનો કુલ સમયગાળો આશરે ૨૧ મહિના અને ૨૪ દિવસ, એટલે કે લગભગ ૨૨ મહિના રહેશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં સાધુ-સંતો, અખાડાઓના મહંતો અને વહીવટી અધિકારીઓની બેઠકમાં આ કુંભમેળાની મુખ્ય તારીખો જાહેર કરવામાં આવી હતી. નાશિકના પંચવટી વિસ્તારમાં આવેલા પવિત્ર રામકુંડ અને ત્ર્યંબકેશ્વરના કુશાવર્ત તીર્થ ખાતે ધર્મધ્વજારોહણ સાથે આ મહોત્સવનો પ્રારંભ થશે.
કુંભમેળાના મુખ્ય કાર્યક્રમો અને અમૃતસ્નાનની તારીખો
૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ બપોરે ૧૨.૦૨ વાગ્યે કુંભમેળાનો પ્રારંભ અને ધર્મધ્વજારોહણ
૨૪ જુલાઈ, ૨૦૨૭ સાધુગ્રામમાં અખાડાઓનું ધ્વજારોહણ |
૨૯ જુલાઈ, ૨૦૨૭ નાશિકમાં ભવ્ય નગર પ્રદક્ષિણા
૨ ઓગસ્ટ, ૨૦૨૭ પ્રથમ અમૃતસ્નાન — સોમવતી અમાસ
૩૧ ઓગસ્ટ, ૨૦૨૭ બીજું અમૃતસ્નાન — શ્રાવણ અમાસ, મહાકુંભ સ્નાન
૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૭ ત્રીજું અમૃતસ્નાન — નાશિકના રામકુંડ ખાતે
૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૭ ત્રીજું અમૃતસ્નાન — ત્ર્યંબકેશ્વરના કુશાવર્ત તીર્થ ખાતે
૨૪ જુલાઈ, ૨૦૨૮ ધર્મધ્વજ અવતરણ અને કુંભમેળાનું ઔપચારિક સમાપન
અહીં ખાસ નોંધનીય છે કે મુખ્ય અમૃતસ્નાનના ત્રણ પર્વ છે, પરંતુ ત્રીજું સ્નાન નાશિક અને ત્ર્યંબકેશ્વરમાં જુદી તારીખે યોજાવાનું હોવાથી સ્નાનની ચાર તારીખો જાહેર કરવામાં આવી છે.
આ વખતે કુંભમેળો લગભગ ૨૨ મહિના સુધી શા માટે ચાલશે ? ગુરુ ગ્રહની વક્રી ગતિનું વિશેષ મહત્ત્વ
નાશિકના સિંહસ્થ કુંભમેળાની સમયમર્યાદા આટલી લાંબી રહેવા પાછળનું મુખ્ય કારણ ધાર્મિક પંચાંગ અને દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહનું સિંહ રાશિમાં ભ્રમણ છે.
હિન્દુ ધાર્મિક અને જ્યોતિષીય પરંપરા અનુસાર ગુરુ ગ્રહ સિંહ રાશિમાં હોય ત્યારે નાશિક અને ત્ર્યંબકેશ્વરમાં સિંહસ્થ કુંભનું વિશેષ મહત્ત્વ ગણાય છે. ગુરુ ગ્રહને બાર રાશિઓનું પરિભ્રમણ પૂર્ણ કરતાં આશરે બાર વર્ષ લાગતાં હોવાથી અહીં કુંભમેળો પણ સામાન્ય રીતે બાર વર્ષે યોજાય છે.
આ વખતે ગુરુ ગ્રહની વક્રી અને માર્ગી ગતિને કારણે સિંહ રાશિમાં તેનું આગમન અને પુનઃપ્રવેશ અલગ અલગ તબક્કામાં થાય છે. ઉપલબ્ધ જ્યોતિષીય ગણતરી પ્રમાણે ગુરુ તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ વક્રી ગતિને કારણે જાન્યુઆરી, ૨૦૨૭માં પાછો કર્ક રાશિમાં જશે અને જૂન, ૨૦૨૭માં ફરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. નવેમ્બર, ૨૦૨૭માં કન્યા રાશિમાં ગયા પછી ફેબ્રુઆરી, ૨૦૨૮માં પુનઃ સિંહ રાશિમાં આવશે. અંતે તા. ૨૪ જુલાઈ, ૨૦૨૮ના રોજ સિંહ રાશિ છોડશે.
આ રીતે ધાર્મિક પરંપરા મુજબ પ્રથમ પ્રવેશથી અંતિમ વિદાય સુધીનો સમય કુંભ પર્વ સાથે જોડવામાં આવ્યો છે. જોકે સમગ્ર ૨૨ મહિના દરમિયાન સતત વિશાળ મેળો કે શાહી સ્નાન ચાલતાં નથી. મુખ્ય સ્નાન, અખાડાઓની શોભાયાત્રાઓ અને સૌથી વધુ શ્રદ્ધાળુઓની હાજરી ઓગસ્ટ તથા સપ્ટેમ્બર, ૨૦૨૭માં રહેશે. મેળાના આયોજનમાં મુખ્ય કાર્યક્રમોનો સમયગાળો આશરે ૧૦૭ દિવસનો દર્શાવાયો છે.
નાશિક અને ત્ર્યંબકેશ્વરમાં અલગ અલગ અમૃતસ્નાન શા માટે ?
નાશિકનો સિંહસ્થ કુંભમેળો અન્ય કુંભમેળાઓ કરતાં એક વિશેષ પરંપરા ધરાવે છે. અહીં વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયના અખાડાઓનાં મુખ્ય સ્નાનસ્થળ અલગ છે.
નાશિકના પંચવટી વિસ્તારમાં આવેલા રામકુંડમાં મુખ્યત્વે વૈષ્ણવ અખાડાઓના સંતો પવિત્ર ગોદાવરી નદીમાં અમૃતસ્નાન કરે છે. બીજી તરફ ત્ર્યંબકેશ્વરના કુશાવર્ત તીર્થ ખાતે શૈવ અખાડાઓના સાધુ-સંતો સ્નાન કરે છે. ત્ર્યંબકેશ્વર ભગવાન શિવનાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક પવિત્ર સ્થાન છે.
આથી ત્રીજા અમૃતસ્નાન માટે નાશિકમાં ૧૧ સપ્ટેમ્બર અને ત્ર્યંબકેશ્વરમાં ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૭ની અલગ તારીખો જાહેર કરવામાં આવી છે.
કુંભમેળાની તૈયારીઓ માટે રૂ. ૨૨,૪૨૫ કરોડથી વધુની વિકાસ યોજના
આ સિંહસ્થ કુંભમેળાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નાશિક અને ત્ર્યંબકેશ્વરમાં વિશાળ વિકાસકાર્યો હાથ ધર્યાં છે.
કેન્દ્ર સરકાર દ્વારા ૨૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર મહારાષ્ટ્ર સરકારે રૂ. ૨૨,૪૨૫.૩૯ કરોડની વ્યાપક કુંભમેળા વિકાસ યોજનાને મંજૂરી આપી છે. તેમાં રસ્તા, પરિવહન, પાણીપુરવઠો, સ્વચ્છતા, સુરક્ષા, આરોગ્યસુવિધા, યાત્રાળુઓના નિવાસ અને અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. જે કામો પૂરજોશમાં ચાલુ છે.
મેળાના આયોજન અને સંચાલન માટે ખાસ નાશિક–ત્ર્યંબકેશ્વર કુંભમેળા પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષપદે ૪૦ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં ધ્વજારોહણનો કાર્યક્રમ
મહારાષ્ટ્ર સરકારની ૨૩ ઓક્ટોબરની સત્તાવાર માહિતી અનુસાર કુંભમેળા પ્રભારી મંત્રી ગિરીશ મહાજને રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માને ૩૧ ઓક્ટોબરના ધ્વજારોહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. સરકારે આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાવાનો હોવાનું જણાવ્યું છે.
આમ, આવતીકાલથી શરૂ થનાર નાશિક–ત્ર્યંબકેશ્વરનો સિંહસ્થ કુંભમેળો માત્ર ધાર્મિક આસ્થાનું જ નહીં, પરંતુ ભારતની પ્રાચીન પરંપરા, સંત સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિરાસતનું મહત્ત્વપૂર્ણ પર્વ બની રહેશે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
