News of Wednesday, 29th April 2026
ન્યૂયોર્કના વિશ્વપ્રસિદ્ધ ફિફ્થ એવન્યુ પર ભારતીય કપલની ભવ્ય જાન : માઈક પકડીને લાઈવ ગાતા દુલ્હા-દુલ્હને રસ્તો જામ કરી દીધો : જુઓ વિડીયો
જેનેટિક કાઉન્સેલર પંક્તિ દોશી અને ડો. અવિશ જૈને બોલિવૂડના ગીતો પર લાઈવ પર્ફોર્મન્સ આપી રસ્તા પર મેળો જમાવ્યો : સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ન્યૂયોર્ક:: અમેરિકાના ન્યૂયોર્ક શહેરના આઇકોનિક અને વ્યસ્ત એવા ફિફ્થ એવન્યુ પર એક ભારતીય કપલની જાનના દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સામાન્ય રીતે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર પરંપરાગત વેશભૂષામાં સજ્જ ભારતીયોએ નાચગાન સાથે એવો માહોલ બનાવ્યો કે દુનિયાના સૌથી વ્યસ્ત રસ્તાઓ પૈકીનો એક આ રસ્તો જાણે લગ્ન મંડપમાં ફેરવાઈ ગયો હતો. 'બિગ ફેટ ઇન્ડિયન વેડિંગ'ના આ અનોખા દ્રશ્યોએ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે કુતૂહલ જગાડ્યું છે.
જેનેટિક કાઉન્સેલર પંક્તિ દોશી અને મેડિકલ જર્નાલિસ્ટ તેમજ પ્રોફેશનલ સિંગર ડો. અવિશ જૈને પોતાની લગ્નની એન્ટ્રીને એક જીવંત સંગીતના કાર્યક્રમમાં ફેરવી નાખી હતી. કોઈ ડીજે કે બેન્ડના સહારે રહેવાને બદલે દુલ્હા અને દુલ્હને પોતે હાથમાં માઈક્રોફોન પકડીને ખુલ્લા વાહનમાં બેસીને બોલિવૂડના સુપરહિટ ગીતો લાઈવ ગાયા હતા. આ અનોખી જાનનો વીડિયો વેડિંગ કન્ટેન્ટ ક્રિએટર અમરીશ પટેલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં ભારતીય સમુદાયના લોકો રસ્તા પર મન મૂકીને નાચતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્કના હૃદય સમાન ગણાતા ફિફ્થ એવન્યુ જેવા મોટા માર્ગને બંધ કરવો એ કોઈ સામાન્ય બાબત નથી. આ માટે કપલે અગાઉથી શહેરના વહીવટી તંત્ર અને એનવાયપીડી (NYPD) પાસેથી તમામ જરૂરી પરમિટો મેળવીને સઘન આયોજન કર્યું હતું. ફિફ્થ એવન્યુ દુનિયાની સૌથી મોંઘી અને પ્રતિષ્ઠિત ગલીઓમાંની એક માનવામાં આવે છે, જ્યાં ગુચ્ચી અને કાર્ટિયર જેવા લક્ઝરી બ્રાન્ડ્સના સ્ટોર આવેલા છે.
આ વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા લોકોએ કપલની ક્રિએટિવિટી અને આત્મવિશ્વાસના વખાણ કર્યા છે, જ્યારે કેટલાક લોકોએ જાહેર સ્થળોએ આ પ્રકારના આયોજનથી થતા ટ્રાફિક જામ અને વિક્ષેપ અંગે સવાલો ઉઠાવ્યા છે. ગત વર્ષે પણ લોઅર મેનહટનમાં ૪૦૦ જેટલા લોકોની આવી જ એક જાનનો વીડિયો વાયરલ થયો હતો, જેણે ન્યૂયોર્કના ફાયનાન્સિયલ ડિસ્ટ્રિક્ટમાં ભારતીય સંસ્કૃતિના રંગો બિખેર્યા હતા.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
