<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

લંડનમાં મા કૃપા સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય લોકડાયરો : વિદેશની ધરતી પર લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી કરાવી

હાસ્યરસ અને સનાતન મૂલ્યોના સંગમ સાથે યોજાયેલા કાર્યક્રમમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ : બ્રિટનમાં વસતા ભારતીયોએ કલાકારોને બિરદાવ્યા

ઈશ્વરિયા: દેશ અને વિદેશમાં ભારતીય સંસ્કૃતિના મહિમાગાન સાથે ગોહિલવાડના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર સતત પોતાની આગવી શૈલીમાં હાસ્યરસ અને સાહિત્યની સરવાણી વહાવી રહ્યા છે. મા કૃપા સંસ્થા (ફાઉન્ડેશન - યુ.કે.) દ્વારા યુનાઇટેડ કિંગડમના લંડન ખાતે આયોજિત વિશેષ લોકડાયરામાં તેમણે વિદેશની ધરતી પર સૌરાષ્ટ્રની ભવ્ય સંસ્કૃતિની વાતો પીરસીને શ્રોતાઓને મોજ કરાવી હતી.

લંડન ખાતે યોજાયેલા આ ધમાકેદાર લોકડાયરામાં માયાભાઈ આહિરે લોકસાહિત્ય, સાંપ્રત સામાજિક પરિસ્થિતિ પર હળવા કટાક્ષ અને સનાતન મૂલ્યોથી સભર હાસ્ય પીરસીને ઉપસ્થિત તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન મા કૃપા સંસ્થાના જશરીભાઈ ભોજવિયા અને કલાકાર નિર્મળસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનને સફળ બનાવવામાં સંસ્થા પરિવારના જયંતિભાઈ ખરગ્રામ, રશ્મિભાઈ શાહ, બ્રિજેશભાઈ શાહ, સુલોચનાબેન છાયા, નૈનાબેન કેશાણી તેમજ જયભાઈ દોશીએ મહત્વપૂર્ણ સંકલન સાધી સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી. વિદેશમાં વસતા ગુજરાતીઓએ આ કાર્યક્રમને ભારે ઉત્સાહપૂર્વક આવકારી સંસ્કૃતિ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:07 PM IST)