<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

બોલિવૂડમાં ગણેશોત્સવનો ભવ્ય રોમાંચ: સલમાનથી લઈને સૈફ-કરીના અને અંબાણી પરિવાર સુધી, ગણપતિ બાપ્પા મોરયાના નાદથી ગુંજી ઉઠ્યું માયાનગરી મુંબઈ

પિતા સૈફ અને પુત્ર જેહ અલી ખાને હાથેથી બનાવી બાપ્પાની મૂર્તિ; સલમાન ખાન, શિલ્પા શેટ્ટી, સોનુ સૂદ અને ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ ઢોલ-નગારા સાથે કર્યું ગજાનનનું ભાવભીનું સ્વાગત

મુંબઈ : ગણેશ ચતુર્થી ૨૦૨૬ ના પવિત્ર પર્વ પર સમગ્ર માયાનગરી મુંબઈ ભક્તિના રંગે રંગાઈ ગઈ છે. સામાન્ય નાગરિકોથી લઈને બોલિવૂડ અને ટીવી જગતની સુપરસ્ટાર હસ્તીઓ પર બાપ્પાની ભક્તિનો ખુમાર છવાયેલો જોવા મળી રહ્યો છે. બોલિવૂડના દબંગ સલમાન ખાન, સૈફ અલી ખાન-કરીના કપૂર, સોનુ સૂદ, શિલ્પા શેટ્ટી, અંકિતા લોખંડે, કાજોલ, શર્વરી વાઘ અને સુનીતા આહુજા સહિત અસંખ્ય સેલિબ્રિટીઓએ પોતાના ઘરે પરંપરાગત વિધિ-વિધાન સાથે વિઘ્નહર્તાનું ભવ્ય સ્વાગત કર્યું છે.

 

દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાનના નિવાસસ્થાને ગણપતિ બાપ્પાનું આગમન થતાં જ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ, સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરની ઉજવણીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કરીનાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તસવીરો શેર કરી હતી, જેમાં સૈફ અને તેના નાના પુત્ર જેહ અલી ખાને પોતાના હાથેથી ગણપતિજીની મૂર્તિ તૈયાર કરી હતી. આ સિવાય, દર વર્ષની જેમ પરોપકારી અભિનેતા સોનુ સૂદ અને શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સાથે ગણપતિ બાપ્પાની વિધિવત સ્થાપના કરી આરતી ઉતારી હતી.

 

ઢોલ-નગારા અને અંબાણી પરિવારનો ભવ્ય ગણેશોત્સવ

બોલિવૂડ અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ ઢોલ-નગારાના તાલે અને ભારે ઉત્સાહ સાથે બાપ્પાને ઘરે પધરાવ્યા હતા. કાજોલે ગણેશ પૂજન કર્યું હતું, જ્યારે શર્વરી વાઘે મોરગાંવમાં ગણેશોત્સવની ઉજવણી કરી હતી. આ ઉપરાંત અંકિતા લોખંડે, ઈશા કોપ્પીકર, ડેઝી શાહ, દેબિના બેનર્જી, ગુરમીત ચૌધરી, રિત્વિક ધનજાની અને કરણ વાહીએ પણ ગણેશ સ્થાપના કરી હતી.

 

તો બીજી તરફ, દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અંબાણી પરિવારનો ગણેશોત્સવ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અનંત અંબાણી અને રાધિકા અંબાણી સહિત પરિવારના તમામ સભ્યોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરી હતી. આમ, સમગ્ર મુંબઈની ગલીઓથી લઈને સેલિબ્રિટીઓના આલીશાન બંગલાઓ સુધી હાલ 'ગણપતિ બાપ્પા મોરયા'ના જયઘોષ ગુંજી રહ્યા છે.

 

(7:28 PM IST)