તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
પશ્ચિમ બંગાળમાં મહાલયાની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ૧૨,૪૦૦ નવી દુર્ગા પૂજા સમિતિઓને આપી મંજૂરી
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને પદયાત્રા સાથે શક્તિપર્વનો પ્રારંભ; અગાઉની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ કરી મહત્વની જાહેરાતો

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં આગામી દુર્ગા પૂજાના તહેવારોની ઉત્સાહભેર શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ શનિવારે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે મહાલયાની ભવ્ય ઉજવણીમાં વિશેષ ઉપસ્થિતિ રહીને ઉત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા વધારાની ૧૨,૪૦૦ નવી દુર્ગા પૂજા સમિતિઓને તેમની પૂજા શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
શાસ્ત્રો, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને અનુસરીને દેવી પક્ષ દરમિયાન દુર્ગા પૂજાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે રવિવારથી મહા ષષ્ઠી સુધી રાજ્યભરમાં ૧૦૦થી વધુ ભવ્ય પૂજા મંડળોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વખતે માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ રાજ્યના અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો પણ વિવિધ પૂજા પંડાલોનું ઉદ્ઘાટન કરશે. ખાસ નોંધનીય બાબત એ છે કે કોલકાતાની આશરે ૨૦૦ જેટલી પૂજા સમિતિઓએ સરકાર પાસેથી કોઈપણ પ્રકારની આર્થિક સહાય લીધા વિના સ્વયંભૂ આયોજન કર્યું છે.
અગાઉની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કટાક્ષ કર્યો હતો કે વર્તમાન શાસનકાળમાં કોઈપણ પૂજા સમિતિએ મંજૂરી મેળવવા માટે કલકત્તા હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા નથી. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત' બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે તેમ જણાવી તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તહેવારો દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીને ઉત્સવને સફળ બનાવે.
આ ભવ્ય આયોજનમાં ઈડન ગાર્ડન્સ ખાતે પહોંચતા પહેલા મુખ્યમંત્રીએ અન્ય ગણમાન્ય મહાનુભાવો સાથે રેડ રોડ પર એક વિશાળ પદયાત્રા પણ યોજી હતી. આ સાંસ્કૃતિક મહોત્સવમાં બંગાળનું પારંપરિક છઉ નૃત્ય, બાઉલ ગીતો તેમજ ૩૦૦૦ જેટલા ઢાક (પરંપરાગત ઢોલ) ના ગુંજારવ સાથે અદભુત સંગીતમય કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. બોલિવૂડના ખ્યાતનામ ગાયક શાન, અંતરા મિત્રા, સંગીતકાર શાંતનુ મોઇત્રા અને બંગાળી ગાયિકા કૌશિકી ચક્રવર્તીએ પોતાના સૂરથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે આકાશમાં અદભુત ડ્રોન શો યોજીને દેવી દુર્ગાનું પ્રતીકાત્મક સ્વાગત કરવામાં આવ્યું હતું.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
