તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ઓટીટી અને સોશિયલ મીડિયા પર સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: કાયદાનો ભંગ કરતી સામગ્રી પર લાગશે પૂર્ણવિરામ!
સંસદમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનો સણસણતો જવાબ: આઈટી નિયમો 2021 નું પાલન નહીં કરનાર ડિજિટલ પ્લેટફોર્મ્સ અને એપ્સ સામે લેવાશે કડક કાનૂની પગલાં

નવી દિલ્હી : ડિજિટલ દુનિયામાં બેફામ પીરસાતી અશ્લીલ, હિંસક અને કાયદા વિરોધી સામગ્રી પર કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. ઓટીટી પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા નેટવર્ક્સને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં સરકારે જાહેરાત કરી છે કે ભારતીય કાયદાઓ અને સંસ્કૃતિનું ઉલ્લંઘન કરતી કોઈપણ સામગ્રી ડિજિટલ સ્પેસ પર ચલાવી શકાશે નહીં. રાજ્યસભામાં સાંસદ રાજીવ કુમાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને આ કડક વલણની સત્તાવાર પુષ્ટિ કરી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સે 'માહિતી પ્રૌદ્યોગિકી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચારસંહિતા) નિયમો, 2021' નું અક્ષરશઃ પાલન કરવું પડશે. આ નિયમો હેઠળ, સોશિયલ મીડિયા કંપનીઓ અને ઓટીટી પ્લેટફોર્મ્સની એ નૈતિક અને કાનૂની જવાબદારી છે કે તેઓ પોતાના પ્લેટફોર્મ પર ગેરકાયદેસર, દેશની સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડતી કે વાંધાજનક સામગ્રી અપલોડ, શેર કે સંગ્રહિત ન થવા દે. જો આવી કોઈ સામગ્રી નજરે પડશે તો કંપનીઓએ તેને સમયમર્યાદામાં તુરંત જ હટાવવી પડશે.
જો કોઈ કંપની આ આદેશોનું અનાદર કરશે અથવા નિષ્ક્રિયતા દાખવશે, તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સામે ઉપલબ્ધ 'સેફ હાર્બર' (સુરક્ષિત કાનૂની કવચ) છીનવાઈ શકે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકો, ખાસ કરીને યુવાનો અને બાળકો માટે ઈન્ટરનેટ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સને સુરક્ષિત, પારદર્શી અને જવાબદારીયુક્ત બનાવવાનો છે. ગ્રાહકોની ફરિયાદોના ઝડપી નિવારણ માટે કંપનીઓને આંતરિક સુનાવણી મિકેનિઝમ વધુ મજબૂત કરવા આદેશ આપવામાં આવ્યા છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
