તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
સરકારના નવા લેબર કોડથી પગારદારોને ઝટકોઃ ચાલુ મહિનાથી જ ઓન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો
નવા નિયમોનો મુખ્ય હેતુ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચર અને સોશિયલ સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવાનો

નવી દિલ્હી,તા.૧૮: કેન્દ્ર સરકાર દ્વારા ૧ એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે નવા લેબર કોડ હેઠળ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચર અને સોશિયલ સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવાનો છે. નવા કાયદા મુજબ, હવે કર્મચારીઓની બેસિક સેલરી(મૂળ પગાર) અને મોંઘવારી ભથ્થું(DA) કુલ સેલરીના ઓછામાં ઓછા ૫૦% હોવા જોઈએ, જ્યારે બાકીના ૫૦% ભાગમાં અન્ય એલાઉન્સ સામેલ રહેશે. અગાઉ ઘણી કંપનીઓ બેસિક સેલરી ઓછી રાખીને ભથ્થાં વધારે આપતી હતી, પરંતુ હવે નવા નિયમથી PF અને ગ્રેચ્યુઈટીમાં વધારો થશે, જેના કારણે કર્મચારીઓની દર મહિને હાથમાં આવતી રોકડ(In-hand Salary)માં ઘટાડો થઈ શકે છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નવું સેલરી સ્ટ્રક્ચર માત્ર એવા કર્મચારીઓ પર લાગુ થશે જેમની બેસિક સેલરી ૧૫,૦૦૦ રૂપિયાથી વધુ છે. જે કર્મચારીઓની બેસિક સેલરી ૧૫,૦૦૦ રૂપિયા કે તેથી ઓછી છે, તેમના પગાર માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને તેમની ઇન-હેન્ડ સેલરી ઘટશે નહીં. જોકે, જે કર્મચારીઓનો બેસિક પગાર ૧૮,૦૦૦ કે ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ છે, તેમને આ ૫૦%ના નિયમની અસર જોવા મળશે.
જો તમારી કુલ સેલરી ૫૦,૦૦૦ રૂપિયા છે, તો અત્યાર સુધીના ગણિત મુજબ જો તમારી બેસિક સેલરી ૨૦,૦૦૦ રૂપિયા હોય, તો ૧૨% લેખે ૨,૪૦૦ રૂપિયા પીએફ કપાતો હતો અને તમને ૪૭,૬૦૦ રૂપિયા ઇન-હેન્ડ મળતા હતા. પરંતુ નવા નિયમ મુજબ, હવે તમારી બેસિક સેલરી ફરજિયાત ૨૫,૦૦૦ રૂપિયા(કુલ પગારના ૫૦%) થઈ જશે. આ સ્થિતિમાં ૧૨% લેખે પીએફ કપાત વધીને ૩,૦૦૦ રૂપિયા થશે, પરિણામે તમારી ઇન-હેન્ડ સેલરી ૬૦૦ રૂપિયા ઘટીને ૪૭,૦૦૦ રૂપિયા થઈ જશે.
ભલે દર મહિને મળતા પગારમાં થોડો ઘટાડો જણાય, પરંતુ આ ફેરફાર કર્મચારીઓના ભવિષ્ય માટે અત્યંત ફાયદાકારક છે. પીએફમાં વધુ રકમ જમા થવાથી નિવૃત્તિ સમયે મોટું ભંડોળ એકઠું થશે અને તેના પર સરકાર દ્વારા મળતું વાર્ષિક વ્યાજ પણ વધારે મળશે. આ ઉપરાંત, બેસિક સેલરી વધવાને કારણે કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઈટીની રકમમાં પણ મોટો ઉછાળો આવશે, જે લાંબાગાળે આર્થિક સુરક્ષા પૂરી પાડશે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
