News of Monday, 18th May 2026
ઇંધણના ભાવ પર સરકારનું મોટું નિવેદન: 'આગામી વધારો ક્યારે થશે તે કહેવું મુશ્કેલ' : જનતામાં ફફડાટ
પેટ્રોલિયમ મંત્રાલયે ભાવ વધારાની આગાહી કરવાનો કર્યો ઇનકાર: ₹3 ના તાજેતરના ઉછાળા બાદ વધુ ભાવ વધવાની આશંકા વચ્ચે સરકારે 'પેનિક બાયિંગ' ન કરવા કરી અપીલ

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતામાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે, આગામી સમયમાં ભાવ ક્યારે અને કેટલા વધશે તેની આગાહી કરવી હાલમાં અશક્ય છે. ૧૬ મેના રોજ તેલ કંપનીઓ દ્વારા લિટર દીઠ ₹3 નો ઝીંકાયેલો બોજ હજુ જનતા પચાવી શકી નથી ત્યાં મંત્રાલયના આ નિવેદને લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. જોકે, સરકારે દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે ઇંધણનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ખોટી અફવાઓથી દોરવાઈને ગભરાટમાં વધુ પડતી ખરીદી (Panic Buying) કરવી જોઈએ નહીં.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને ખાસ કરીને પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન વચ્ચેના વધતા તણાવે ભારતની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે સપ્લાય ચેઈન પર અસર પડવાની ભીતિ છે, જેના કારણે સ્થાનિક બજારમાં તેલની કિંમતો દબાણ હેઠળ છે. વધુમાં, ડોલર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટીને 96 ની સપાટીએ પહોંચતા ભારત માટે તેલની આયાત કરવી અત્યંત મોંઘી સાબિત થઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ વિદેશથી મંગાવતું હોવાથી, આ આર્થિક પરિબળો સીધી રીતે વાહનચાલકોના ખિસ્સા પર ભાર મૂકી રહ્યા છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરકાર હવે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો પર વધુ ભાર મૂકી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ લોકોને પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને ઇલેક્ટ્રિક વાહનો (EV), PNG અને ઇન્ડક્શન કુકિંગ તરફ વળવા પ્રોત્સાહિત કર્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે શાંતિ નહીં સ્થપાય અને રૂપિયો વધુ નબળો પડશે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ પણ મોટો વધારો જોવા મળી શકે છે. હાલમાં તો સરકારની આ અપીલ લોકોને કેટલી રાહત આપે છે તે જોવાનું રહ્યું.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
