<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

કેતન અગ્રવાલ હત્યા કેસમાં સરકારનો મોટો નિર્ણય : ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી : ફડણવીસે ઉજ્જવલ નિકમને સોંપી મોટી જવાબદારી

મૃતક કેતન અગ્રવાલના પિતા વિશાલ અગ્રવાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરીને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પૂણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં એક પછી એક નવા પાસા ખૂલતાં જાય છે. સિયા અગ્રવાલ અને તેના બોયફ્રેન્ડ ચેતને આ મર્ડર કર્યું હોવાની શંકા હેઠળ બંને પર તપાસ ચાલી રહી છે ત્યારે આ કેસમાં રોજ નવી વાત સામે આવી રહી છે. સિયા અને ચેતને કેફેમાં મળીને કેતનના મર્ડરનો પ્લાન કર્યો હતો ત્યાંથી લઈને સિયા કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી અને હવે પોલીસ પૂછપરછમાં ચેતન અને સિયા બંને એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કેતનના પરિવારજનો આ કેસમાં જલ્દીથી જલદી કાર્યવાહી થઈને આરોપીને સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. 

 

આ વચ્ચે મહારાષ્ટ્રના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યા કેસમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે જેથી પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળી શકે. શુક્રવારે મૃતક કેતન અગ્રવાલના પિતા વિશાલ અગ્રવાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરીને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમની રજૂઆત બાદ મુખ્યમંત્રીએ કેસને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ મુંબઈના 26/11 આતંકી હુમલાના કેસમાં સરકારી વકીલ તરીકે મહત્વની ભૂમિકા ભજવનારા ઉજ્જવલ નિકમને આ કેસમાં સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પીડિત પરિવાર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

 

 

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેતન અગ્રવાલની હત્યાને અત્યંત દુઃખદ અને આઘાતજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે આ માત્ર એક ગુનાનો કેસ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેમના જણાવ્યા મુજબ, શિક્ષિત અને સારા પરિવારોના યુવાનોમાં આવી ક્રૂર માનસિકતા કેવી રીતે વિકસે છે તે અંગે સમાજે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતી નથી, પરંતુ આવી ઘટનાઓને રોકવા માટે પરિવાર, સમાજ અને શિક્ષણ વ્યવસ્થાએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટના દરેકને વિચારવા મજબૂર કરે છે કે યુવાનોમાં વધતી હિંસક માનસિકતા પાછળના કારણો શું છે અને તેને કેવી રીતે અટકાવી શકાય.

 

 

26 વર્ષીય કેતન અગ્રવાલનું 18 જૂનના રોજ પુણે નજીક આવેલા લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન ખાઈમાં પડી જવાથી મોત થયું હોવાનું શરૂઆતમાં જણાવાયું હતું. તેની મંગેતર સિયા ગોયલે પરિવાર અને પોલીસને જણાવ્યું હતું કે કેતનનો પગ લપસતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, તપાસ આગળ વધતાં પોલીસે આ ઘટનાને હત્યાનું કાવતરું ગણાવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ મળીને કેતનને ખાઈમાં ધક્કો માર્યો હોવાનો આરોપ છે. બંનેની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે હત્યા તથા ગુનાહિત કાવતરાની કલમો હેઠળ કેસ નોંધાયો છે. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે મહત્વની માહિતી મળી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓએ અગાઉ પણ કેતનની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની શંકા છે. હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

 

(6:01 PM IST)