તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
પેટ્રોલ-ડીઝલના પુરવઠાને લઈને સરકારનો મોટો ખુલાસો: "દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ, ગભરાવાની જરૂર નથી"
LPG વિતરણમાં પણ રેકોર્ડબ્રેક કામગીરી: સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા ૧૩૦૦ સ્થળે દરોડા, નકલી ડિસ્ટ્રિબ્યુટરશીપ ઈમેઈલથી સાવધાન રહેવા નાગરિકોને ચેતવણી

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) ના પુરવઠાને લઈને ફેલાયેલી અટકળો પર સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય આંતર-મંત્રીસ્તરીય બ્રીફિંગ દરમિયાન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ઈંધણનો કોઈ જ તંગી નથી. તમામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને તમામ રિટેલ આઉટલેટ્સ પર ઈંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા અને સતત સપ્લાય સુનિશ્ચિત કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.
LPG ની રેકોર્ડ ડિલિવરી અને પારદર્શિતા
LPG પુરવઠા અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં ૧ કરોડ ૨૧ લાખથી વધુ બુકિંગ નોંધાયા છે, જેની સામે ૧ કરોડ ૨૨ લાખથી વધુ સિલિન્ડરની ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે, લગભગ ૯૫ ટકા ડિલિવરી પ્રમાણીકરણ કોડ (Authentication Code) દ્વારા કરવામાં આવી છે, જે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતાને દર્શાવે છે.
સંગ્રહખોરો પર તવાઈ
સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સંગ્રહખોરી કે કાળાબજાર ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વેચાણ અને વિતરણમાં અનિયમિતતા સામે સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશભરમાં ૧૩૦૦ થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે અને ગેરરીતિ આચરનારા સાત વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. સરકારની આ કાર્યવાહીથી બજારમાં ખોટી રીતે ભાવો વધારતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નકલી ઈમેઈલથી બચવા નાગરિકોને ચેતવણી
આ સાથે જ સરકારે એલપીજી ડિસ્ટ્રિબ્યુટરશીપની લાલચ આપતા નકલી ઈમેઈલ અંગે પણ નાગરિકોને સાવધાન કર્યા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ સ્પષ્ટતા કરી છે કે '[email protected]' જેવી આઈડી પરથી આવતા ઈમેઈલ સંપૂર્ણપણે નકલી અને છેતરપિંડીપૂર્ણ છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરે, કોઈ ચુકવણી ન કરે કે પોતાની વ્યક્તિગત માહિતી શેર ન કરે. ડિસ્ટ્રિબ્યુટરશીપ સંબંધિત તમામ અધિકૃત માહિતી માત્ર સત્તાવાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે, તેથી સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ રાખવો હિતાવહ છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
