<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

'સરકારે વિદ્યાર્થીઓ સાથે તાકીદે વાત કરવી જોઈએ': જંતર-મંતર હિંસાથી વ્યથિત અન્ના હજારેએ PM મોદીને લખ્યો પત્ર

દમનકારી નીતિઓ છોડીને કેન્દ્ર સરકારને વિદ્યાર્થીઓ સાથે રચનાત્મક સંવાદ સાધવા અન્ના હજારેની ભાવુક અપીલ

નવી દિલ્હી :  દેશના જાણીતા સામાજિક કાર્યકર્તા અને ગાંધીવાદી નેતા અણ્ણા હજારેએ દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને ત્યારબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા કડક બળપ્રયોગ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પીટીઆઈ અનુસાર, અન્ના હજારેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિશેષ પત્ર લખીને આ સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની ગંભીર ચિંતા દર્શાવી છે. તેમણે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે લોકશાહીમાં યુવાનો અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાને બદલે સરકારે તેમની સાથે આગળ આવીને રચનાત્મક વાતચીત શરૂ કરવી જોઈએ.

અણ્ણા હજારેએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે દેશનો યુવા વર્ગ જ્યારે પોતાના ભવિષ્ય અને અધિકારો માટે સડક પર ઊતરે છે, ત્યારે વહીવટીતંત્રે સંવેદનશીલતા દાખવવી જોઈએ. જંતર-મંતર પર બનેલી હિંસક ઘટનાઓ અને પ્રદર્શનકારીઓ સામે લેવાયેલા કડક પગલાંથી દેશનું વાતાવરણ કલુષિત થાય છે. તેમણે વડાપ્રધાનને વિનંતી કરી છે કે કેન્દ્ર સરકારે પોતાના પ્રતિનિધિઓ મોકલીને વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણીઓ અને સમસ્યાઓ સાંભળવી જોઈએ, જેથી આ આંદોલનનો શાંતિપૂર્ણ અને સકારાત્મક ઉકેલ લાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જંતર-મંતર ખાતે આયોજિત સંસદ માર્ચ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેનો મામલો હાલ દિલ્હી હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. તેવામાં અણ્ણા હજારે જેવા સીનિયર સામાજિક નેતાના મેદાનમાં આવવાથી અને સીધા વડાપ્રધાનને પત્ર લખવાથી કેન્દ્ર સરકાર પર રાજકીય અને નૈતિક દબાણ ચોક્કસપણે વધી ગયું છે.

(7:51 PM IST)