<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ખાનગી શાળાઓની મનસ્વી લૂંટ પર માન સરકારની લગામ: હવે વાર્ષિક ૫% થી વધુ ફી વધારો કરવા પર પ્રતિબંધ

અમૃતસરમાં માસૂમ વિદ્યાર્થીની આત્મહત્યા બાદ પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય: છેલ્લા ત્રણ વર્ષમાં ૧૫% થી વધુ વસૂલેલી ફી શાળાઓએ વાલીઓને પરત કરવી પડશે

ચંદીગઢ:   પંજાબના શિક્ષણ જગત અને ખાનગી શાળાઓના મનસ્વી વર્તન પર લગામ કસવા માટે મુખ્યમંત્રી ભગવંત માને એક ક્રાંતિકારી અને મોટો નિર્ણય લીધો છે. અમૃતસરમાં ધોરણ-૧૨ની એક તેજસ્વી વિદ્યાર્થીનીએ શાળા પ્રશાસન દ્વારા ફી માટે અપાયેલા માનસિક ત્રાસ અને માર્કશીટ-રોલ નંબર રોકી રાખવાની ધમકીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આ હૃદયદ્રાવક ઘટના બાદ એક્શન મોડમાં આવેલી માન સરકારે 'સ્કૂલ માફિયા' સામે સખત વલણ અપનાવ્યું છે. સીએમ ભગવંત માને ચંદીગઢમાં પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી છે કે હવે પંજાબની કોઈપણ ખાનગી શાળા વાર્ષિક ૫% થી વધુ ફી વધારી શકશે નહીં, જેથી મધ્યમવર્ગીય વાલીઓને એક મોટી આર્થિક રાહત મળશે.

આ વ્યવસ્થાને કાયદાકીય સ્વરૂપ આપવા માટે પંજાબ સરકાર આગામી ચોમાસુ સત્રમાં એક અત્યંત કડક ખાનગી શાળા ફી નિયમન કાયદો (પંજાબ રેગ્યુલેશન ઓફ ફી ઓફ અનએડેડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ એક્ટ, ૨૦૨૬) લાવવા જઈ રહી છે, જે અંતર્ગત આગામી એક-બે દિવસમાં વટહુકમ બહાર પાડવામાં આવશે. સીએમ માને સ્પષ્ટ કર્યું છે કે વર્ષ ૨૦૧૯ માં તત્કાલીન કેપ્ટન અમરિંદર સિંહ સરકારે ખાનગી શાળાઓને મનસ્વી રીતે ફી વધારવાની જે ખુલ્લી છૂટ આપી હતી, તે જૂના કાયદાને હવે સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. નવી જોગવાઈઓ મુજબ હવે પંજાબની તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શાળાઓનું દર વર્ષે સરકારી ઓડિટ કરવામાં આવશે, જેથી કોઈ પણ શિક્ષણ સંસ્થા કાયદાના સિકંજામાંથી છટકી ન શકે.

સરકારના આ આકરા વલણ હેઠળ શાળાઓ પર માત્ર ભવિષ્ય માટે જ નહીં, પરંતુ ભૂતકાળના નિર્ણયો પર પણ કાયદાકીય તલવાર લટકી છે. છેલ્લા ત્રણ વર્ષમાં જે શાળાઓએ ૧૫% થી વધુ ફી વધારો ઝીંક્યો છે, તેમણે વાલીઓને તે વધારાના પૈસા પરત કરવા પડશે. આ ઉપરાંત, શાળાઓ હવે વાલીઓને કોઈ ચોક્કસ દુકાનમાંથી જ પુસ્તકો અથવા ગણવેશ ખરીદવા માટે મજબૂર કરી શકશે નહીં. સીએમ માને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ શાળા ફીના નામે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અપમાનિત કરશે, તેમના રોલ નંબર કે પરિણામો રોકશે, તો તેવી શાળાઓ સામે DEO કચેરી દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

(10:48 PM IST)