News of Wednesday, 15th July 2026
દિલ્હીની યમુનાને પ્રદૂષણમુક્ત કરવા સરકારની કમર કસી: MCD અને NDDB વચ્ચે કોમ્પ્રેસ્ડ બાયો-ગેસ પ્લાન્ટ સ્થાપવા માટે મહત્વપૂર્ણ સમજૂતી
રાજધાનીમાં પશુઓના છાણના વૈજ્ઞાનિક નિકાલ દ્વારા ઉર્જા ઉત્પાદનનો નવો ચીલો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કરાયો કરાર, ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં નદીમાં એક ટીપું પણ ગંદુ પાણી ન જવા દેવાનો સંકલ્પ

નવી દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વહેતી યમુના નદીના શુદ્ધિકરણ માટે કેન્દ્ર સરકારે હવે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. આ દિશામાં એક મોટું અને નિર્ણાયક પગલું ભરતા, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં આ કરાર સંપન્ન થયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીમાં પશુઓના છાણનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરીને કોમ્પ્રેસ્ડ બાયો-ગેસ (CBG) પ્લાન્ટ સ્થાપવાનો છે.
યમુનાને પ્રદૂષણમુક્ત બનાવવાનો મહત્વાકાંક્ષી પ્લાન
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ સમજૂતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યમુના નદીને શુદ્ધ કરવાના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં એક મજબૂત કદમ છે. શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં યમુનામાં છાણનું એક ટીપું પણ ન જાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર દિલ્હી પૂરતો સીમિત નહીં રહે, પરંતુ દેશના અન્ય મોટા શહેરો માટે પણ એક મોડેલ સાબિત થશે.
આર્થિક અને પર્યાવરણીય ફાયદા
આ પહેલથી અનેકવિધ લાભો થવાની અપેક્ષા છે. તે એક તરફ શહેરી સ્વચ્છતામાં વધારો કરશે, તો બીજી તરફ છાણમાંથી કોમ્પ્રેસ્ડ બાયો-ગેસ અને જૈવિક ખાતરનું ઉત્પાદન થશે, જે ઓર્ગેનિક ફાર્મિંગને મોટું પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત, પશુપાલકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે. સરકારે નિર્ધારિત કર્યું છે કે ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં યમુનામાં એક પણ લિટર અશુદ્ધ પાણી ન ઠલવાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
વૈજ્ઞાનિક નિકાલની વ્યવસ્થા
નવી યોજના મુજબ, દિલ્હીની ડેરીઓ અને ગૌશાળાઓમાંથી એકત્રિત કરવામાં આવતા છાણને સીધું ગેસ અને ખાતર પ્લાન્ટમાં લઈ જવામાં આવશે. ખાસ કરીને નાંગલી, ઘોગા-ગોયલા અને ગાઝીપુર કચરા નિકાલ પ્લાન્ટમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ, દિલ્હીમાં ગટરના પાણી અને ઔદ્યોગિક કચરાના શુદ્ધિકરણ માટે અંદાજે ૮૦ જેટલા ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પણ કામ ચાલી રહ્યું છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ), દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત કેન્દ્ર અને દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટના અમલીકરણ અને લાંબા ગાળાના નિર્વાહ માટે દરેક તબક્કે સઘન સમીક્ષા કરવામાં આવશે, જેથી યમુનાના પુનર્જીવનના પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
