<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સરકાર પાસે મંદિરોના સોનાને મોનેટાઇઝ કરવાની કોઈ યોજના નથી:નાણાં મંત્રાલયની સત્તાવાર સ્પષ્ટતા

મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, મંદિર ટ્રસ્ટો પાસે રહેલા સોનાના બદલામાં કોઈ ગોલ્ડ બોન્ડ જાહેર કરવાની કે તે સોનાનો સરકારના રિઝર્વ માટે ઉપયોગ કરવાની કોઈ જ ચર્ચા કે પ્રક્રિયા ચાલી રહી નથી.

નવી દિલ્હી :દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા તેમજ કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કેન્દ્ર સરકાર હવે મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલા સોનાને મોનેટાઇઝ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે એવો પણ દાવો કરાયો હતો કે, મંદિરોનું આ સોનું દેશના “સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વ”નો ભાગ બની શકે છે. જોકે, હવે કેન્દ્ર સરકારે આ તમામ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે આ અંગે સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરતા જણાવ્યું છે કે, સરકાર પાસે મંદિરોના સોનાને મોનેટાઇઝ કરવાની કોઈ યોજના નથી. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, મંદિર ટ્રસ્ટો પાસે રહેલા સોનાના બદલામાં કોઈ ગોલ્ડ બોન્ડ જાહેર કરવાની કે તે સોનાનો સરકારના રિઝર્વ માટે ઉપયોગ કરવાની કોઈ જ ચર્ચા કે પ્રક્રિયા ચાલી રહી નથી.

 

સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ અને અહેવાલો દ્વારા એવો ભ્રામક દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર દેશભરના મોટા મંદિરોના સોનાને દેશના સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વમાં સામેલ કરવા વિચારી રહી છે. આ અફવાઓમાં ખાસ કરીને મંદિરના ગોપુરમ, ગર્ભગૃહના દરવાજા અને અન્ય ધાર્મિક માળખાઓ પર જડેલા સોનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પ્રકારના દાવાઓને કારણે શ્રદ્ધાળુઓમાં ગેરસમજ ફેલાઈ હતી અને ધાર્મિક સંસ્થાઓમાં પણ ચિંતાની લાગણી સાથે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા નાણાં મંત્રાલયે તાત્કાલિક આગળ આવીને આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવું પડ્યું છે.

 

(9:38 PM IST)