તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Sunday, 12th July 2026
સરકારે ડાયાબિટીસ અને હાર્ટની ૩૯ નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા
ગ્રાહકોને વધુ પડતા ભાવ ચૂકવવામાંથી મળશે મુક્તિ; દુકાનદારો માટે ભાવપત્રક લગાવવું ફરજિયાત હશે

નવી દિલ્હી : સામાન્ય માણસ માટે દવાનો ખર્ચો કાઢવો એ ઘણીવાર મુશ્કેલ બની જતો હોય છે, પણ હવે સરકારે એક મોટો નિર્ણય લઈને દર્દીઓને મોટી રાહત આપી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કેન્સર અને HIV જેવી ગંભીર બીમારીઓની ૩૯ નવી દવાઓના છૂટક ભાવ ફિક્સ કરી દીધા છે. આ નિર્ણયથી મેડિકલ સ્ટોરવાળા કે ફાર્મા કંપનીઓ મનફાવે તેમ ભાવ નહીં વસૂલી શકે અને સામાન્ય દર્દીઓને પોસાય તેવા ભાવે જરૃરી દવાઓ મળી રહેશે.
આ મહત્વનો આદેશ ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા ડ્રગ્સ (ભાવ નિયંત્રણ) ઓર્ડર (DPCO) ૨૦૧૩ હેઠળ ૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. જો કે, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે સરકારે બજારમાં પહેલેથી મળતી જૂની દવાઓના ભાવ ઘટાડ્યા નથી, પરંતુ જે ૩૯ નવા દવા ફોર્મ્યુલેશન માર્કેટમાં આવ્યા છે તેના મહત્તમ છૂટક ભાવ (MRP) પર કાપ મૂક્યો છે. આ નક્કી કરેલા ભાવ ઉપર ગ્રાહકોએ GST અલગથી ચૂકવવાનો રહેશે.
કેટલીક અગત્યની દવાઓના નક્કી થયેલા ભાવ
NPPA એ બહાર પાડેલા નવા લિસ્ટ મુજબ કેટલીક જરૃરી દવાઓના ભાવ આ પ્રમાણે ફિક્સ કરવામાં આવ્યા છેઃ
હાઈ બ્લડ પ્રેશર (BP): એમલોડિપિન + બિસોપ્રોલો + ટેલ્મિસર્ટન ગોળીનો ભાવ ૧૪.૭૪ રૃપિયા પ્રતિ ગોળી.
આંખનું ઇન્ફેક્શનઃ નેપાફેનેક + મોક્સિફ્લોક્સાસીન આઈ ડ્રોપ્સની કિંમત ૬૮.૬૪ રૃપિયા પ્રતિ મિલી.
હૃદય રોગ અને સ્ટ્રોકઃ ક્લોપિડોગ્રેલ + એસ્પિરિન + એટોરવાસ્ટેટિન કેપ્સ્યુલની કિંમત ૬.૩૭ રૃપિયા પ્રતિ કેપ્સ્યુલ.
ડાયાબિટીસઃ ડાપાગ્લિફ્લોઝિન, મેટફોર્મિન, ગ્લિમેપીરાઇડ જેવી ઘણી ફિક્સ્ડ-ડોઝ દવાઓના ભાવ પણ કંટ્રોલમાં લેવાયા છે.
સૌથી મોંઘી દવાઃ આ લિસ્ટમાં હાર્ટ એટેકની સારવારમાં વપરાતું ટેનેક્ટેપ્લેસ (TNK-tpa 50mg) ઇન્જેક્શન સૌથી મોંઘું છે, જેની એક શીશી (vial) નો છૂટક ભાવ ૬૦૨૩૮.૨૭ રૃપિયા નક્કી કરાયો છે. આ ઉપરાંત એમોક્સિસિલિન + ક્લાવ્યુલેનેટ, ગ્લુકોમાના ટીપાં, HIV ની કીટ, વિટામિન D3 અને કેન્સર માટેના ઇમાટિનિબ સોલ્યુશનના ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે.
ગ્રાહકોની જાણકારી માટે NPPA એ કડક સૂચના આપી છે કે દરેક રિટેલ મેડિકલ સ્ટોર અને ડીલરોએ ઉત્પાદક કંપનીઓનું નવું ભાવપત્રક દુકાનમાં એવી જગ્યાએ લગાવવું પડશે જ્યાં ગ્રાહકો તેને આસાનીથી જોઈ શકે. DPCO ૨૦૧૩ ના નિયમ મુજબ આ લિસ્ટ છુપાવીને રાખી શકાશે નહીં.
આદેશમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ ઉત્પાદક, માર્કેટિંગ કંપની કે મેડિકલ સ્ટોરવાળા આ નક્કી કરેલા છૂટક ભાવ કરતા વધારે રૃપિયા ગ્રાહકો પાસેથી વસૂલશે, તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી થશે. પકડાઈ જવા પર તેમણે ગ્રાહકો પાસેથી લૂંટેલી વધારાની રકમ વ્યાજ સાથે સરકારમાં જમા કરાવવી પડશે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
