<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ભારતીય પરિવારોના ૩૦ હજાર ટન સોના પર સરકારની નજર: આયાત ઘટાડવા માટે મોદી સરકાર લાવશે ધમાકેદાર 'ન્યુ ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ'

ઘરોમાં લોકરમાં પડેલા સોના પર મળશે આકર્ષક વ્યાજ; આરબીઆઈ, મંત્રીઓ અને બેંક અધિકારીઓની મેગા બેઠકોનો દોર શરૂ

નવી દિલ્હી, તા.૦૩: ભારતમાં સોના પ્રત્યેનો આકર્ષણ જગજાહેર છે, પરંતુ આ જ આકર્ષણને કારણે દેશની તિજોરી પર પડતા બોજને હળવો કરવા માટે મોદી સરકાર એક માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. વિદેશોમાંથી સોનાની આયાત (ઈમ્પોર્ટ) પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકારની નજર હવે ભારતીય પરિવારોના ઘરોમાં અને લોકરોમાં રાખવામાં આવેલા આશરે ૩૦,૦૦૦ ટન સોના પર છે. આ કિંમતી સોનાને દેશના અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કેન્દ્ર સરકાર 'ન્યુ ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ' (New Gold Monetisation Scheme) નું નવું અને વધુ આકર્ષક વર્ઝન લોન્ચ કરવાની ગંભીર તૈયારી કરી રહી છે.
એક મીડિયા અહેવાલ અનુસાર, આ નવી યોજનાને આખરી ઓપ આપવા માટે છેલ્લા બે અઠવાડિયામાં કેન્દ્રીય મંત્રીઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણી બેંકોના વડાઓ અને ગોલ્ડ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને તેમના નકામા પડેલા સોના પર સુરક્ષા સાથે વ્યાજ કમાવવાની તક આપીને પ્રોત્સાહિત કરવાનો છે.
શા માટે પડી રહી છે આ નવી સ્કીમની જરૂર?
અગાઉ વર્ષ ૨૦૧૫માં પણ આવી જ એક યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં ઓછામાં ઓછું ૧૦ ગ્રામ સોનું જમા કરાવી શકાતું હતું. જોકે, ગત ૧૧ વર્ષમાં આ યોજના હેઠળ ભારતીય ઘરોમાંથી માત્ર ૩૯ ટન સોનું જ એકત્ર કરી શકાયું હતું, જેને અપેક્ષા કરતાં ઘણું ઓછું માનવામાં આવે છે. હવે ખાડી દેશોમાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય તંગદિલી અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનાની બિનજરૂરી ખરીદી નિયંત્રિત કરવા અપીલ પણ કરી છે.
આરબીઆઈના તાજેતરના છ માસિક 'ફાયનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ' મુજબ, મે ૨૦૨૬માં સોનાની આયાત અગાઉના મહિનાઓની સરખામણીએ ઘટીને ૧૨ અબજ ડોલર થઈ છે, જે એક હકારાત્મક સંકેત છે. સરકાર ઈચ્છે છે કે આ આયાત હજુ પણ ઘટે અને દેશનું હૂંડિયામણ બચે. આ માટે જ ગ્રાહકોને વધુ આકર્ષી શકે તેવી સરળ અને નફાકારક શરતો સાથેની નવી ગોલ્ડ સ્કીમ ટૂંક સમયમાં જ દેશ સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે.

(5:29 PM IST)