તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Thursday, 17th September 2026
UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ વસૂલનારાઓ સામે સરકાર લાલઘૂમ: ગ્રાહકો પર આર્થિક બોજ નાખ્યો તો ખેર નથી!
પેમેન્ટ એગ્રીગેટર્સ સાથેની હાઈ-લેવલ બેઠકમાં કેન્દ્રનો કડક નિર્દેશ : ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી કે મર્ચેન્ટ ચાર્જ વસૂલવા સામે જમીની સ્તરે કડક મોનિટરિંગ કરાશે

નવી દિલ્હી: દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા કરોડો સામાન્ય ગ્રાહકો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. ઓનલાઈન ચુકવણી વખતે ગ્રાહકો પાસેથી લેવાતા વધારાના ચાર્જ કે પ્રોસેસિંગ ફી સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે અગ્રણી પેમેન્ટ એગ્રીગેટર્સ સાથે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ગ્રાહકો પાસેથી UPI અથવા ડિજિટલ પેમેન્ટ માટે કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં વર્તમાન ડિજિટલ ચુકવણી પ્રણાલી અને તેના નિયમોના અમલીકરણ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ઘણીવાર એવું જોવા મળે છે કે વેપારીઓ (મર્ચેન્ટ્સ) પોતાના પર લાગતો વેપારી ચાર્જ કે અન્ય પ્રોસેસિંગ ફી સીધી ગ્રાહકોના બિલમાં ઉમેરીને વસૂલતા હોય છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લેતા નિર્દેશ આપ્યો છે કે વેપારીઓ તેમની ફીનો હિસ્સો કોઈપણ સંજોગોમાં સામાન્ય ગ્રાહકો પર ન નાખી શકે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ ઈન્ડિયા પહેલ અંતર્ગત દેશના નાગરિકોનો વિશ્વાસ જળવાઈ રહે અને તેઓ કોઈપણ વધારાના અન્યાયી આર્થિક બોજ વગર સુરક્ષિત અને પારદર્શક વ્યવહારો કરી શકે તે સરકારની પ્રાથમિકતા છે. નિયમોના અમલીકરણમાં જો કોઈ ખામીઓ કે ઉલ્લંઘન જણાશે તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે.
આ ઉપરાંત, જમીની સ્તરે પણ તેનું કડક દેખરેખ (મોનિટરિંગ) કરવામાં આવશે. જો કોઈ વેપારી કે એજન્સી નિયમોનો ભંગ કરીને ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલતી પકડાશે, તો તેમની સામે નિયમાનુસાર સખત પગલાં લેવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ડિજિટલ પેમેન્ટ કરતા કરોડો ગ્રાહકોને મોટી રાહત મળશે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
