<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

સોનાની આયાત ડ્યુટી વધતા સરકાર એક્શન મોડમાં! એરપોર્ટથી લઈને દરિયાઈ સરહદો પર DRI અને કસ્ટમ્સનું કડક ચેકિંગ, દાણચોરો પર બાજ નજર

સોના-ચાંદી પર ટેક્સ ૧૫% સુધી વધતા ગ્રે માર્કેટમાં તેજીની શક્યતા; મ્યાનમાર અને બાંગ્લાદેશ બોર્ડર પર હાઈ-એલર્ટ, સિન્ડિકેટ નેટવર્ક તોડવા માસ્ટર પ્લાન તૈયાર

નવી દિલ્હી, તા.૧૩: ભારત સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં ઝીંકેલા તોતિંગ વધારા બાદ હવે દાણચોરીની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલય (DRI) અને કસ્ટમ્સ વિભાગ સજ્જ બન્યા છે. ૧૩ મેથી અમલમાં આવેલા નવા નિયમો મુજબ સોના-ચાંદી પરની ડ્યુટી ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કરી દેવામાં આવી છે. આ મોટા તફાવતને કારણે ગેરકાયદેસર માર્ગે સોનું ઘુસાડતી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ્સ સક્રિય થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને રોકવા માટે સરહદો પર દેખરેખ કડક કરવામાં આવી છે.

સીમાઓ પર સઘન સર્ચ ઓપરેશન

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે એરપોર્ટ, દરિયાઈ બંદરો અને ખાસ કરીને જમીન સરહદો પર બાજ નજર રાખવામાં આવશે. અધિકારીઓ ખાસ કરીને મ્યાનમાર, બાંગ્લાદેશ, ચીન અને નેપાળ સાથે જોડાયેલી ભારતની પૂર્વ અને ઉત્તર-પૂર્વીય સરહદો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભૂતકાળમાં આ વિસ્તારના કઠોર ભૂપ્રદેશનો ઉપયોગ કરીને મોટાપાયે સોનાની હેરાફેરી થતી રહી છે. આસામ, મણિપુર અને મિઝોરમ જેવા રાજ્યોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દાણચોરીના ગણિત પર સરકારનો પ્રહાર

ટેરિફમાં વધારાનો સીધો સંબંધ દાણચોરી સાથે ન હોવા છતાં, નિષ્ણાતો માને છે કે ઊંચી ડ્યુટી હંમેશા ગ્રે માર્કેટને પ્રોત્સાહન આપે છે. સોનાનું ભારતીય સંસ્કૃતિમાં આર્થિક અને સામાજિક મહત્વ ખૂબ ઊંચું હોવાથી તેની માંગ હંમેશા રહે છે. DRI ના ડેટા મુજબ, ૨૦૨૪-૨૫ ના નાણાકીય વર્ષમાં સોનાની દાણચોરીના ૫૫.૯૦ ટકા કેસ જમીન માર્ગે પકડાયા હતા, જ્યારે ૪૩.૭૦ ટકા હવાઈ માર્ગે નોંધાયા હતા. આ આંકડાઓને જોતા સરકારે સપ્લાય ચેઈન અને વિદેશી કાર્ટેલ્સને તોડવા માટે ગુપ્તચર દેખરેખ વધારી દીધી છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિશેષ દેખરેખ

અધિકારીઓએ ઓળખી કાઢ્યું છે કે કિંમતી ધાતુઓની દાણચોરી મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વધુ કેન્દ્રિત હોય છે. એપ્રિલ-ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન જ ૨૬૦ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત ૨૫૪ કરોડ રૂપિયાથી વધુ થાય છે. હવે જ્યારે નવા ટેક્સ દરો લાગુ થયા છે, ત્યારે સિન્ડિકેટ્સને સોનાના બજારનું શોષણ કરતા અટકાવવા માટે સ્થાનિક હેન્ડલર્સ અને સંગઠિત વાહક નેટવર્ક પર પણ વોચ રાખવામાં આવી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય રૂપિયાને ટેકો આપવા અને બિનજરૂરી આયાત પર કાબૂ મેળવવાનો છે.

(6:06 PM IST)