News of Wednesday, 27th May 2026
ગૂગલનું નવું હથિયાર 'SynthID': હવે પળવારમાં પકડાશે ડીપફેક વીડિયો અને AI એડિટેડ ફોટાની પોલ
ગૂગલ I/O ૨૦૨૬ ઇવેન્ટમાં અદ્રશ્ય ડિજિટલ વોટરમાર્ક ટેકનોલોજી લોન્ચ : જેમિની એપ પર ફાઇલ અપલોડ કરતાની સાથે જ કન્ટેન્ટ અસલી છે કે નકલી તે ઓળખાશે

કેલિફોર્નિયા: ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહેલા ફેક ન્યૂઝ અને વાયરલ ડીપફેક વીડિયોના આતંકને નાથવા માટે ટેક જાયન્ટ ગૂગલે સત્તાવાર રીતે તેના સૌથી શક્તિશાળી કન્ટેન્ટ વેરિફિકેશન ટૂલ 'SynthID' ની જાહેરાત કરી છે. તાજેતરમાં યોજાયેલી ગૂગલ I/O ૨૦૨૬ ઇવેન્ટમાં કંપનીએ આ ક્રાંતિકારી સુવિધા રજૂ કરી છે, જે ડિજિટલ દુનિયાને વધુ સુરક્ષિત બનાવશે. આજના યુગમાં જ્યાં ગૂગલના નવા 'ઓમ્ની મોડેલ' જેવા હાઈ-ટેક ટૂલ્સ સામાન્ય વીડિયોને આકર્ષક અને પર્સનલાઈઝ્ડ કન્ટેન્ટમાં બદલી શકે છે, ત્યાં તેનો દુરુપયોગ કરીને બનાવવામાં આવતા ખતરનાક ડીપફેક વીડિયો અને નકલી તસવીરો સામાન્ય યુઝર્સની સુરક્ષા માટે મોટો પડકાર બની ગયા છે. આ વૈશ્વિક સમસ્યાના કાયમી ઉકેલ તરીકે ગૂગલે આ ડિજિટલ હસ્તાક્ષર સમાન સિસ્ટમ મેદાનમાં ઉતારી છે.
આ અદભુત ટેકનોલોજીની ખાસિયત એ છે કે જ્યારે પણ ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કોઈ ઈમેજ, વિડીયો, ઓડિયો કે ટેક્સ્ટ ફાઈલ તૈયાર કરવામાં આવે છે, ત્યારે 'SynthID' તેની અંદર એક અત્યંત ગુપ્ત અને અદ્રશ્ય ડેટા પેટર્ન એટલે કે ડિજિટલ વોટરમાર્ક છુપાવી દે છે. સામાન્ય વોટરમાર્કને ફોટો ક્રોપ કરીને અથવા રીસાઈઝ કરીને સરળતાથી હટાવી શકાય છે, પરંતુ આ અદ્રશ્ય વોટરમાર્ક ફાઇલના મૂળ પિક્સેલ્સ સાથે એવી રીતે જોડાઈ જાય છે કે જેને કોઈ પણ એડિટિંગ સોફ્ટવેરથી ડિલીટ કરી શકાતો નથી. જો કોઈ યુઝરને સોશિયલ મીડિયા પર દેખાતા કન્ટેન્ટની વિશ્વસનીયતા પર શંકા હોય, તો તેણે માત્ર ગૂગલ જેમિની એપ ઓપન કરીને તે ફાઇલ અપલોડ કરવાની રહેશે અને એપ તુરંત જ તેની સાથે જોડાયેલી તમામ છુપી માહિતી અને હિસ્ટ્રી સામે લાવી દેશે.
દરરોજ કરોડોની સંખ્યામાં બનતા અને ઇન્ટરનેટ પર ગુમરાહ કરતા ફેક કન્ટેન્ટના આ સમયમાં ગૂગલની આ કન્ટેન્ટ વેરિફિકેશન સિસ્ટમ સામાન્ય લોકો માટે સુરક્ષા કવચ સાબિત થશે. ડિજિટલ છેતરપિંડી અને ખોટી માહિતી ફેલાવતા તત્વો સામે આ ટેકનોલોજી સૌથી મોટું હથિયાર બનવા જઈ રહી છે. સિક્યોરિટીને વધુ મજબૂત કરવા માટે દુનિયાની ઘણી મોટી વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓએ પણ ગૂગલ સાથે ભાગીદારી કરીને પોતાના પ્લેટફોર્મ પર 'SynthID' ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. નિષ્ણાતોના મતે, આ કદમ સાયબર ક્રાઈમ અને ડીપફેકના વધતા જતા ગુનાઓ પર લગામ લગાવવામાં માઇલસ્ટોન સાબિત થશે
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
