<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

જૂના સ્માર્ટફોન વપરાશકર્તાઓને ગૂગલનો મોટો આંચકો: માર્શમેલો ઓએસ માટે સપોર્ટ બંધ, આ એન્ડ્રોઇડ ફોન્સમાં બંધ થશે એપ ડાઉનલોડિંગ!

એન્ડ્રોઇડ ૬.૦ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોન્સ પર ગૂગલ પ્લે સર્વિસીસ બંધ: એપ્લિકેશન અપડેટ્સ, લોકેશન ટ્રેકિંગ અને સિક્યુરિટી ફીચર્સ પર પડશે સીધી અસર

નવી દિલ્હી : ટેકનોલોજી દિગ્ગજ ગૂગલે જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપર્તા યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીએ 'એન્ડ્રોઇડ ૬.૦ માર્શમેલો' (Android 6.0 Marshmallow) ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ઉપકરણો માટે ગૂગલ પ્લે સર્વિસીસ (Google Play Services) નું સપોર્ટ સત્તાવાર રીતે બંધ કરી દીધું છે. ગૂગલે હવે પ્લે સર્વિસીસ માટે ન્યૂનતમ જરૂરિયાત વધારીને 'એન્ડ્રોઇડ ૭.૦ નોગેટ' (API લેવલ 24) કરી દીધી છે. આ નિર્ણયને કારણે ૨૦૧૫ માં લોન્ચ થયેલી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા જૂના ફોન્સમાં હવે નવી એપ્સ ડાઉનલોડ કરવામાં કે અપડેટ મેળવવામાં સમસ્યાઓ સર્જાશે.

ઉલ્લેખનીય છે કે ગૂગલ પ્લે સર્વિસીસ એ એન્ડ્રોઇડ ફોનનો મુખ્ય બેકગ્રાઉન્ડ આત્મા છે, જે ગૂગલ એકાઉન્ટ સાઇન-ઇન, પુશ નોટિફિકેશન, મેપ્સ ફંક્શનલિટી, લોકેશન ટ્રેકિંગ અને સિક્યુરિટી વેરિફિકેશન જેવી સુવિધાઓનું સંચાલન કરે છે. ડેવલપર્સ પણ તેમની એપ્લિકેશન્સમાં ગૂગલ ફીચર્સ ઉમેરવા માટે આ જ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સપોર્ટ બંધ થવાને કારણે એપ ડેવલપર્સ હવે એન્ડ્રોઇડ ૬.૦ માટે અપડેટ્સ બનાવવાનું બંધ કરશે, જેના પરિણામે યુઝર્સને પ્લે સ્ટોર પરથી એપ્લિકેશનો ડાઉનલોડ કરવામાં કે ચલાવવામાં મુશ્કેલી પડશે.

જોકે, માર્શમેલો OS પર ચાલતા સ્માર્ટફોન્સ રાતોરાત સંપૂર્ણપણે કામ કરતા બંધ નહીં થાય. યુઝર્સ કૉલિંગ, મેસેજિંગ, ફોટોઝ જોવા અને ફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્સનો ઉપયોગ કરી શકશે. પરંતુ સમય જતાં એપ સુસંગતતા ઘટતી જશે, સુરક્ષા પેચ (Security Patches) ના અભાવે હેકિંગ અને વાયરસ જેવા જોખમો વધી જશે તથા જીમેલ, લોકેશન અને નોટિફિકેશન જેવી મૂળભૂત સુવિધાઓ અટકી અટકીને કામ કરવાનું શરૂ કરશે. ગૂગલના આ નિર્ણય બાદ હવે વપરાશકર્તાઓ પાસે નવો સ્માર્ટફોન ખરીદવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં.

(11:41 PM IST)