News of Wednesday, 4th November 2026
નેશનલ કોન્ફરન્સ છોડનારા સાંસદ રૂહુલ્લાહની ગૂગલ પર શોધમાં ૫,૦૦૦ ટકાથી વધુનો જબરદસ્ત ઉછાળો
જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ સર્ચ : બિહાર, દિલ્હી અને ઉત્તરપ્રદેશ પણ આગળ : પક્ષ અને લોકસભામાંથી રાજીનામાની જાહેરાત બાદ દેશભરમાં રાજકીય ચર્ચાઓ તેજ

જમ્મુ, તા. ૪ : જમ્મુ-કાશ્મીરની સત્તાધારી નેશનલ કોન્ફરન્સ સાથે છેડો ફાડનાર શ્રીનગરના સાંસદ આગા સૈયદ રૂહુલ્લાહ મેહદી અંગે દેશભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગૂગલ ટ્રેન્ડ્સના આંકડા મુજબ રૂહુલ્લાહ સંબંધિત ઓનલાઇન શોધમાં અગાઉના સમયગાળાની સરખામણીએ ૫,૦૦૦ ટકાથી વધુનો જબરદસ્ત વધારો નોંધાયો છે.
ગૂગલ ટ્રેન્ડ્સ મુજબ રૂહુલ્લાહ વિશે સૌથી વધુ સર્ચ જમ્મુ-કાશ્મીરમાં થયા છે. ત્યારબાદ બિહાર, દિલ્હી અને ઉત્તરપ્રદેશનો ક્રમ આવે છે. લોકોએ 'આગા રૂહુલ્લાહ', 'રૂહુલ્લાહ મેહદી', 'આગા રૂહુલ્લાહ મેહદી' અને 'આગા સૈયદ રૂહુલ્લાહ મેહદી' જેવા વિવિધ નામોથી તેમની વિગતો શોધી હતી.
રૂહુલ્લાહે ઓક્ટોબરના અંતમાં જ નેશનલ કોન્ફરન્સ અને લોકસભાનું સભ્યપદ છોડવાનો ઇરાદો જાહેર કર્યો હતો. ત્યારબાદ ૩ નવેમ્બરે બડગામના બહિશ્ત-એ-ઝહરા પાર્કમાં પોતાના પિતા આગા સૈયદ મેહદીની ૨૬મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી વિશાળ સભામાં રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે લોકસભાના અધ્યક્ષને પણ રાજીનામું મોકલ્યું છે. જોકે રાજીનામું સ્વીકારાયા બાદ જ બેઠક સત્તાવાર રીતે ખાલી ગણાશે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
