News of Thursday, 1st October 2026
પતિની નોકરી માટે 'ગૂગલ ફોર્મ'! ૩૬ વર્ષની યુવતીએ શ્રેષ્ઠ જીવનસાથી શોધવા સોશિયલ મીડિયા પર બહાર પાડી વાયરલ એપ્લિકેશન
ડેટિંગ એપ્સથી કંટાળેલી મહિલાનો અનોખો પ્રયોગ નેટજગતમાં થયો વાયરલ, યોગ્ય પાર્ટનર માટે બહાર પાડેલા ફોર્મમાં મળ્યા ૨૪૦થી વધુ બાયોડેટા

નોર્થ કેરોલિના : આજના ડિજિટલ યુગમાં યોગ્ય જીવનસાથી મેળવવા માટે સામાન્ય રીતે લોકો ડેટિંગ એપ્લિકેશન્સ કે મેટ્રિમોનિયલ સાઇટ્સનો આશરો લેતા હોય છે, પરંતુ અમેરિકાના નોર્થ કેરોલિનાના શાર્લોટ શહેરની રહેવાસી ૩૬ વર્ષીય એરિન પેટરસને ‘હસબન્ડ એપ્લિકેશન’ નામથી ગૂગલ ફોર્મ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી એક અનોખી પહેલ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એરિન પેટરસને કંટાળીને ડેટિંગ એપ્સ છોડી દીધી હતી કારણ કે તેને મુલાકાતો દરમિયાન લોકોમાં ગંભીર રિલેશનશિપને લઈને કોઈ સ્પષ્ટતા કે ગંભીરતા જોવા મળતી નહોતી, જેથી તેણે પોતે જ એક ગુગલ ફોર્મ તૈયાર કરીને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલના બાયોમાં પિન કર્યું હતું.
આ વાયરલ ગૂગલ ફોર્મમાં તેણે સ્પષ્ટતા કરી છે કે તે એક સુંદર, સમજદાર, દયાળુ, વફાદાર, ઉદાર અને ઉત્તમોત્તમ સંવાદ સાધી શકે તેવા જીવનસાથીની શોધમાં છે, અને આ પ્રયોગે એટલી સફળતા મેળવી છે કે તેને ટૂંક સમયમાં જ ૨૪૦થી વધુ પુરુષો તરફથી અરજીઓ મળી ચૂકી છે.
એરિને આ એપ્લિકેશન ફોર્મમાં ઉમેદવારોની માત્ર બાહ્ય સુંદરતા કે પ્રોફાઇલ જ નહીં, પરંતુ તેમની કારકિર્દી, રોજિંદી જીવનશૈલી, વ્યક્તિગત આદતો, લગ્ન અંગેના વિચારો, પરિવારને લગતી અપેક્ષાઓ અને લાંબા ગાળાના સંબંધો અંગેના લક્ષ્યો સંબંધિત ઊંડાણપૂર્વકના પ્રશ્નો સમાવ્યા છે.
સોશિયલ મીડિયા પર આ બોલ્ડ અને રચનાત્મક પ્રયોગની ખૂબ પ્રશંસા થઈ રહી છે, જ્યાં અનેક યુઝર્સે તેના વિચારો અને સ્પષ્ટતાના વખાણ કર્યા છે, જ્યારે કેટલાક લોકોએ તેને અત્યંત રમુજી અને પ્રેરણાદાયી ગણાવીને પોતાના માટે પણ આવું જ ફોર્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
હાલમાં આ અનોખી ‘હસબન્ડ ભરતી’ નોર્થ અમેરિકા સહિત વિશ્વભરમાં ભારે ચર્ચાનો વિષય બની છે, ત્યારે એરિન આ તમામ અરજીઓમાંથી પોતાના માટે એક યોગ્ય અને સાચો પ્રેમ કરનારો જીવનસાથી પસંદ કરવા માટે આગળની પ્રક્રિયા હાથ ધરી રહી છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
