<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ગૂગલ લાવ્યું ભારત માટે ખાસ ભેટ : જેમિની AI માં 'પર્સનલ ઇન્ટેલિજન્સ' ફીચર લોન્ચ : હવે તમારી પરવાનગીથી જીમેલ અને યુટ્યુબ હિસ્ટ્રીના આધારે આપશે સચોટ જવાબ

વપરાશકર્તાની પ્રાઈવસીને પ્રાધાન્ય આપીને પર્સનલ આસિસ્ટન્ટ જેવો અનુભવ આપવાની તૈયારી : સાથે જ ફિઝિક્સ વાલા અને કરિયર્સ૩૬૦ સાથે મળીને NEET UG ના વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટની સુવિધા શરૂ

નવી દિલ્હી:ટેક જાયન્ટ ગૂગલે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ 'જેમિની' (Gemini) માં એક ક્રાંતિકારી પરિવર્તન લાવતા ભારતીય વપરાશકર્તાઓ માટે 'પર્સનલ ઇન્ટેલિજન્સ' (Personal Intelligence) ફીચર રજૂ કર્યું છે. અત્યાર સુધી માત્ર અમેરિકા પૂરતું મર્યાદિત આ ફીચર હવે ભારતમાં પણ ઉપલબ્ધ બન્યું છે, જેના દ્વારા જેમિની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે માત્ર એક ચેટબોટ મટીને ખરા અર્થમાં વ્યક્તિગત સહાયક (પર્સનલ આસિસ્ટન્ટ) તરીકે કાર્ય કરશે.

વપરાશકર્તાના ડેટા સાથે સ્માર્ટ જોડાણ:

આ નવા ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે વપરાશકર્તાની સ્પષ્ટ પરવાનગી પછી, જેમિની એપ જીમેલ (Gmail), ગૂગલ ફોટોઝ (Photos), સર્ચ હિસ્ટ્રી અને યુટ્યુબ (YouTube) ના ડેટા સુધી પહોંચ મેળવી શકશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ પ્રવાસનું આયોજન કર્યું હોય અને તેના બુકિંગ કન્ફર્મેશન જીમેલમાં વેરવિખેર હોય, તો જેમિનીને પ્રશ્ન પૂછતા તે તરત જ તમામ ઈમેલ તપાસીને એક વ્યવસ્થિત ટાઈમલાઈન બનાવી આપશે. એટલું જ નહીં, જો વપરાશકર્તાએ કોઈ સ્થળનો સ્ક્રીનશોટ ફોટોઝમાં રાખ્યો હોય કે યુટ્યુબ પર કોઈ ફૂડ બ્લોગ જોયો હોય, તો જેમિની તેના આધારે રેસ્ટોરન્ટના સૂચનો પણ આપી શકશે.

પ્રાઈવસી અને સુરક્ષા પર ભાર:

ગૂગલે સ્પષ્ટતા કરી છે કે વપરાશકર્તાની ગોપનીયતા જળવાઈ રહે તે માટે 'પર્સનલ ઇન્ટેલિજન્સ' ફીચર બાય-ડિફોલ્ટ બંધ રહેશે. વપરાશકર્તા પોતાની રીતે નક્કી કરી શકશે કે જેમિનીને કઈ કઈ એપ (જેમ કે વર્કસ્પેસ, ફોટોઝ કે યુટ્યુબ) સાથે જોડવી. આ તમામ ડેટા ગૂગલના સુરક્ષિત ઇકોસિસ્ટમમાં રહેશે અને તે કોઈપણ ત્રીજી વ્યક્તિ સાથે શેર કરવામાં આવશે નહીં.

વિદ્યાર્થીઓ માટે 'NEET UG' મોક ટેસ્ટની શરૂઆત:

એજ્યુકેશન ક્ષેત્રે એક મહત્વનું ડગલું ભરતા ગૂગલે ભારતના મેડિકલ ઉમેદવારો માટે જેમિનીમાં 'NEET UG' મોક ટેસ્ટ ફીચર પણ લોન્ચ કર્યું છે. આ સુવિધાને વધુ સચોટ અને ભરોસાપાત્ર બનાવવા માટે ગૂગલે જાણીતી એજ્યુકેશન સંસ્થાઓ 'ફિઝિક્સ વાલા' (Physics Wallah) અને 'કરિયર્સ૩૬૦' (Careers360) સાથે ભાગીદારી કરી છે. નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ અભ્યાસ સામગ્રીના આધારે વિદ્યાર્થીઓ હવે જેમિની પર વાસ્તવિક પરીક્ષા જેવી જ પ્રેક્ટિસ કરી શકશે, જે તેમને પરીક્ષાના માહોલ અને પ્રશ્નોના પ્રકારથી પરિચિત કરાવશે. આ સુવિધા દ્વારા ગૂગલ ભારતના લાખો વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી સચોટ માર્ગદર્શન પૂરૂં પાડવા માંગે છે.

(9:33 PM IST)