<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ગણેશોત્સવમાં કોંકણ જનારા પ્રવાસીઓ માટે ખુશખબર: મધ્ય રેલવે દ્વારા ૨૬૨ વિશેષ ટ્રેનોની ભેટ, અત્યાર સુધીમાં ૧.૧૭ લાખથી વધુ ટિકિટોનું ધમાકેદાર બુકિંગ

મુંબઈ, પુણે અને નાગપુરથી કોંકણ-ગોવા જવા માટે રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી; સ્ટેશનો પર ભીડ નિયંત્રણ માટે વધારાના કાઉન્ટર્સ અને સુરક્ષા દળો તૈનાત

મુંબઈ : મહારાષ્ટ્રમાં આ વર્ષે ગણેશોત્સવનો તહેવાર ધામધૂમથી ઉજવવા માટે ઉત્સાહિત લાખો ભક્તો અને પ્રવાસીઓ માટે મધ્ય રેલવે દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરવામાં આવી છે. આગામી ગણેશોત્સવના પવિત્ર અવસરે મુંબઈ, પુણે અને નાગપુરથી કોંકણ તેમજ ગોવા તરફ પ્રવાસ કરતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને કુલ ૨૬૨ ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આગામી ૯ મી સપ્ટેમ્બરથી શરૂ થનારી આ વિશેષ ટ્રેનો પ્રવાસીઓને તેમના વતન પહોંચાડવા માટે મહત્વપૂર્ણ કડી બનશે, જેમાં અત્યાર સુધીમાં ૧,૧૭,૬૮૨ જેટલા પ્રવાસીઓએ પોતાની ટિકિટોનું આગોતરૂ બુકિંગ કરાવી લીધું છે.

 

આ વિશેષ ટ્રેન સેવામાં કુલ ૨૦૦ આરક્ષિત (Reserved) ટ્રેનોનો સમાવેશ થાય છે, જેમાં એસી (AC) સેવાઓ ઉપરાંત સ્લીપર અને જનરલ કોચની પણ સગવડ ઉપલબ્ધ છે. આ સિવાય ૬૨ અનારક્ષિત (Unreserved) ટ્રેનો પણ ચલાવવામાં આવશે. આરક્ષિત વિશેષ ટ્રેનોમાંથી ૧૧૨ ટ્રેનો સાવંતવાડી રોડ સુધી, ૬૪ ટ્રેનો રત્નાગિરી સુધી અને ૨૪ ટ્રેનો મડગાંવ (ગોવા) સુધી દોડશે, જેનાથી મુસાફરોને મુસાફરીમાં સરળતા રહેશે.

 

મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ પ્રબંધ

તહેવારોની મોસમમાં મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે દ્વારા મુખ્ય સ્ટેશનો પર ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં વધારાના ટિકિટ કાઉન્ટર્સ, હોલ્ડિંગ એરિયા, પીવાના શુદ્ધ પાણીની સગવડ તેમજ શૌચાલયની સુવિધાઓ સામેલ છે. આ વ્યવસ્થામાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) ની પણ મદદ લેવામાં આવી રહી છે તેમજ કતાર વ્યવસ્થાપન પ્રણાલી લાગુ કરવામાં આવશે. પ્રવાસીઓની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના વધારાના જવાનો અને ટિકિટ ચેકિંગ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે. રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ છેલ્લી ઘડીની અરાજકતાથી બચવા માટે ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા ૩૦ મિનિટ પહેલાં સ્ટેશને પહોંચી જાય અને પોતાની સાથે માન્ય ટિકિટ તેમજ અસલ ઓળખપત્ર અવશ્ય રાખે.

 

(8:10 PM IST)