News of Thursday, 23rd April 2026
જાપાન જનારા પ્રવાસીઓ માટે ગૂડ ન્યૂઝ: મે મહિનાથી લોન્ચ થશે ખાસ 'ટૂરિસ્ટ પાસ્મો' કાર્ડ, કેશ રાખવાની કકળાટમાંથી મળશે મુક્તિ
એરપોર્ટ પરથી જ મળી જશે નવું પ્રીપેડ કાર્ડ, ટ્રેન-બસમાં મુસાફરી અને શોપિંગ માટે થશે ઉપયોગ; કોઈ ડિપોઝિટ ભરવાની જરૂર નહીં રહે

ટોક્યો, તા.23: જાપાનની મુલાકાતે જતા વિદેશી પ્રવાસીઓની સુવિધા માટે જાપાન સરકાર અને પાસ્મો કંપનીએ એક શાનદાર ભેટ આપી છે. મે મહિનાથી વિદેશી મુલાકાતીઓ માટે નવું પ્રીપેડ IC કાર્ડ, "ટૂરિસ્ટ પાસ્મો" લોન્ચ કરવામાં આવશે. આ કાર્ડના આવવાથી પ્રવાસીઓને જાપાનના વિશાળ ટ્રાન્સપોર્ટ નેટવર્કમાં ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી અને કેશ સાથે રાખવાની માથાકૂટમાંથી કાયમી છુટકારો મળશે.
અહેવાલ મુજબ, આ નવું કાર્ડ ખાસ કરીને ટૂંકા ગાળાના પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે જે 28 દિવસ માટે માન્ય રહેશે. આ કાર્ડ નારીતા અને હાનેડા જેવા મુખ્ય એરપોર્ટ પરથી સરળતાથી મેળવી શકાશે. સૌથી મોટી રાહતની વાત એ છે કે આ કાર્ડ ખરીદવા માટે કોઈ વધારાની ડિપોઝિટ (અનામત રકમ) આપવાની જરૂર રહેશે નહીં. પ્રવાસીઓ પોતાની જરૂરિયાત મુજબ 1,000 થી 10,000 યેન સુધીનું રિચાર્જ કરાવી શકશે અને જરૂર પડ્યે તેને ફરીથી ટોપ-અપ પણ કરી શકશે.
આ કાર્ડ માત્ર ટ્રેન કે બસની મુસાફરી માટે જ નહીં, પરંતુ કેશલેસ પેમેન્ટ સ્વીકારતી દુકાનો અને વેન્ડિંગ મશીનો પર પણ વાપરી શકાશે. કાર્ડની ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક રાખવામાં આવી છે, જેમાં જાપાનીઝ 'કાંજી' અક્ષરોનો ઉપયોગ કરાયો છે. 28 દિવસ પૂરા થયા પછી પ્રવાસીઓ આ કાર્ડને એક સુંદર 'સંભારણું' (Souvenir) તરીકે પોતાની સાથે ઘરે પણ લઈ જઈ શકશે. અગાઉના 'પાસ્મો પાસપોર્ટ' કાર્ડ બંધ થયા બાદ આ નવું વર્ઝન પ્રવાસીઓની મુસાફરીને વધુ સરળ અને યાદગાર બનાવશે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
