<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

રેલવે મુસાફરો માટે ખુશખબર: ઉનાળાના વેકેશનમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટમાંથી મળશે મુક્તિ, રેલવે દોડાવશે ૯૦૦થી વધુ ‘સમર સ્પેશિયલ’ ટ્રેનો!

૧૫ જુલાઈ સુધી દેશભરમાં ૧૮,૦૦૦થી વધુ ટ્રિપ્સનું આયોજન; ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત સહિતના રૂટ પર કન્ફર્મ ટિકિટ મળવી થશે સરળ, જાણો તમારા ઝોનમાં કેટલી ટ્રેનો વધારી

નવી દિલ્હી:  શું તમે પણ આ ઉનાળામાં પરિવાર સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો પણ ટ્રેનમાં ટિકિટ નથી મળી રહી? તો હવે ચિંતા છોડો! ભારતીય રેલવેએ મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે કમર કસી લીધી છે. રેલવે પ્રશાસને ૧૫ એપ્રિલથી ૧૫ જુલાઈ, ૨૦૨૬ સુધીના સમયગાળા માટે દેશભરમાં કુલ ૯૦૮ ઉનાળુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ખાસ ટ્રેનો કુલ ૧૮,૨૬૨ ટ્રિપ્સ મારશે, જેનાથી લાખો મુસાફરોને રાહત મળશે.
વેઇટિંગ લિસ્ટમાં મળશે મોટી રાહત
ઉનાળા દરમિયાન ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના રૂટ પર ટિકિટ માટે પડાપડી થતી હોય છે. રેલવેના આ નિર્ણયથી વેઇટિંગ લિસ્ટનું દબાણ ઘટશે અને મુસાફરોને કન્ફર્મ બર્થ મળવાની શક્યતા વધી જશે. અત્યાર સુધીમાં ૬૬૦ ટ્રેનો માટે સત્તાવાર સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે અને બાકીની ટ્રેનોનું શેડ્યૂલ પણ ટૂંક સમયમાં અમલી બનશે.
કયા ઝોનમાં કેટલી ટ્રેનો? (મુખ્ય આંકડા)
રેલવેએ ઝોન મુજબ ટ્રેનોની ફાળવણી કરી છે જેથી દરેક દિશામાં કનેક્ટિવિટી જળવાઈ રહે:
•    દક્ષિણ મધ્ય રેલવે: ૧૨૪ ટ્રેનો (૧,૧૮૪ ટ્રિપ્સ)
•    પશ્ચિમ રેલવે (ગુજરાત-મહારાષ્ટ્ર): ૧૦૬ ટ્રેનો (૨,૦૭૮ ટ્રિપ્સ)
•    ઉત્તર પશ્ચિમ અને ઉત્તર રેલવે: બંનેમાં ૭૬-૭૬ ટ્રેનો
•    મધ્ય રેલવે: ૭૪ ટ્રેનો (જે સૌથી વધુ ૩,૦૮૨ ટ્રિપ્સ મારશે)
•    પૂર્વ મધ્ય રેલવે (બિહાર રૂટ): ૬૪ ટ્રેનો (૨,૭૧૧ ટ્રિપ્સ)
મુસાફરો માટે શું ફાયદો?
આ સ્પેશિયલ ટ્રેનો દોડવાથી માત્ર બેઠકોની સંખ્યા જ નથી વધી, પરંતુ મહત્વના પર્યટન સ્થળો અને વતનમાં જતા લોકો માટે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ છે. રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે સ્ટેશનો પર વધારાના સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે જેથી ભીડનું વ્યવસ્થિત સંચાલન કરી શકાય.
 
રેલવે ઝોન અને ટ્રેનનું વિગતવાર લિસ્ટ:
રેલ્વે ઝોન    ટ્રેનોની સંખ્યા    કુલ ટ્રિપ્સ
દક્ષિણ મધ્ય રેલ્વે    ૧૨૪    ૧,૧૮૪
પશ્ચિમ રેલ્વે    ૧૦૬    ૨,૦૭૮
ઉત્તર પશ્ચિમ રેલ્વે    ૭૬    ૨,૨૪૫
મધ્ય રેલ્વે    ૭૪    ૩,૦૮૨
પૂર્વ મધ્ય રેલ્વે    ૬૪    ૨,૭૧૧
દક્ષિણ પશ્ચિમ રેલ્વે    ૭૬    ૫૦૯
 
જો તમે પણ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ, તો રેલવેની અધિકૃત વેબસાઇટ અથવા IRCTC એપ પર જઈને આ ‘સમર સ્પેશિયલ’ ટ્રેનોમાં તમારું બુકિંગ ચેક કરી શકો છો. તમારી મુસાફરી હવે વધુ આરામદાયક અને સુખદ બનશે!

(9:29 PM IST)