<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

નવી મુંબઈ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ખુશખબર: ટ્રાફિક વધારવા AERA દ્વારા લેન્ડિંગ ચાર્જ માફ, એરલાઇન્સ માટે પ્રોત્સાહનોનું એલાન!

ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઓછો ઉપયોગ અને વૈશ્વિક પડકારોને કારણે લેવાયો નિર્ણય; નવા રૂટ શરૂ કરતી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સને મળશે મોટો આર્થિક ફાયદો

મુંબઈ : એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA) દ્વારા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પર આંતરરાષ્ટ્રીય ટ્રાફિકને વેગ આપવા માટે એક મોટો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પૂરતો ઉપયોગ ન થવાના અહેવાલો અને ઓપરેટરની વિશેષ વિનંતીને ધ્યાનમાં રાખીને, AERA એ નવી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ માટે લેન્ડિંગ ચાર્જ સંપૂર્ણપણે માફ કરવાની મંજૂરી આપી દીધી છે.

 

ભૂરાજકીય સંઘર્ષો અને ઓછા વપરાશને કારણે ફેરફાર

 

નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (NMIAL) દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી કે એરપોર્ટ પર આધુનિક અને વિશાળ આંતરરાષ્ટ્રીય એરસાઇડ તેમજ ટર્મિનલ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, વૈશ્વિક ભૂરાજકીય સંઘર્ષો, ઇંધણના વધતા ભાવ અને એરસ્પેસ બંધ થવા જેવા કારણોસર એરલાઇન્સ અહીંથી ઓપરેશન શરૂ કરવા માટે આકર્ષાતી નહોતી. આ પરિસ્થિતિને સુધારવા અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક ઝડપથી વધારવા માટે વેરિયેબલ ટેરિફ પ્લાન (VTP) માં મહત્વપૂર્ણ સંશોધનો કરવામાં આવ્યા છે.

 

એરલાઈન્સ માટે ખાસ રાહતો અને શરતો

 

આ નવા સુધારા અનુસાર, NMIA થી નવા ટૂંકા અંતરના રૂટ શરૂ કરતી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સને પ્રથમ દોઢ વર્ષમાં લેન્ડિંગ ચાર્જમાં સંપૂર્ણ માફી મળશે, જ્યારે લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે પણ ત્રીજા વર્ષ સુધી વિશેષ છૂટછાટોનું માળખું તૈયાર કરાયું છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય કાર્ગો (માલવાહક) ફ્લાઇટ્સને પણ પ્રથમ વર્ષમાં 90% સુધીની ભારે છૂટ આપવામાં આવશે. જો કે, આ તમામ ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટે એરલાઈન્સે શરતોનું પાલન કરવું પડશે, જેમાં આ સેવાઓ માત્ર સીધી ફ્લાઇટ્સ પર જ લાગુ પડશે અને કેરિયર્સે ઓછામાં ઓછા એક વર્ષ સુધી પોતાની ઓપરેશનલ સેવાઓ અવિરત જાળવી રાખવી પડશે.

 

(7:19 PM IST)