તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ખેડૂતો માટે ખુશખબર: મોદી સરકારની મોટી ભેટ, ૧૪ ખરીફ પાકોના ટેકાના ભાવમાં ધિંગો વધારો, તેલીબિયાં અને કઠોળ પકવતા ખેડૂતોની થઈ ચાંદી!
સૂર્યમુખીના બીજ પર પ્રતિ ક્વિન્ટલ રૂ. ૬૨૨ અને કપાસ પર રૂ. ૫૫૭નો મોટો ઉછાળો; ઉત્પાદન ખર્ચ સામે ૫૦ થી ૬૦ ટકા જેટલું માર્જિન આપવાનો કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય

નવી દિલ્હી : દેશના અન્નદાતાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી મોટા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ૧૪ જેટલા ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના પરસેવાનું યોગ્ય વળતર મળી રહે અને ખેતી વધુ નફાકારક બને તે સુનિશ્ચિત કરવાનો છે.
કયા પાકમાં કેટલો વધારો?
આ વર્ષના સુધારામાં તેલીબિયાં અને કપાસ પકવતા ખેડૂતોને સૌથી વધુ ફાયદો મળવા જઈ રહ્યો છે. સત્તાવાર અહેવાલ મુજબ, સૌથી મોટો વધારો સૂર્યમુખીના બીજમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૬૨૨ નો કરવામાં આવ્યો છે. આ સિવાય સફેદ સોનું ગણાતા કપાસના ભાવમાં રૂ. ૫૫૭, નાઇજરસીડમાં રૂ. ૫૧૫ અને તલમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫૦૦ નો વધારો મંજૂર કરાયો છે. આ વધારો ૨૦૧૮-૧૯ ના બજેટમાં જાહેર કરાયેલા 'ઉત્પાદન ખર્ચના ૧.૫ ગણા ભાવ' આપવાના ફોર્મ્યુલા મુજબ જ રાખવામાં આવ્યો છે.
ખેડૂતોનો નફો અને પ્રોત્સાહન
નવા MSP મુજબ ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ સામે મળતું માર્જિન પણ ઘણું આકર્ષક છે. મગની ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ ૬૧ ટકા નફો (માર્જિન) મળશે, જ્યારે બાજરી અને મકાઈમાં ૫૬ ટકા તેમજ તુવેરની દાળમાં ૫૪ ટકા માર્જિન મળવાનો અંદાજ છે. બાકીના તમામ પાકો માટે ખેડૂતોને ઓછામાં ઓછો ૫૦ ટકા નફો થાય તેવી ગોઠવણ કરવામાં આવી છે. સરકાર ખાસ કરીને કઠોળ, તેલીબિયાં અને 'શ્રીઅન્ન' (મિલેટ્સ) જેવા પોષક અનાજની ખેતી તરફ ખેડૂતો વળે તેવા પ્રયાસો કરી રહી છે.
વધતી ખરીદી અને ચુકવણીના આંકડા
કેબિનેટની બેઠકમાં છેલ્લા દાયકાના ડેટા પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ૨૦૧૪ થી ૨૦૨૬ ના ગાળામાં ડાંગરની ખરીદીમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. અગાઉના દાયકાની સરખામણીમાં ડાંગર પકવતા ખેડૂતોને કરવામાં આવેલી કુલ MSP ચુકવણી રૂ. ૪.૪૪ લાખ કરોડથી વધીને અધધ રૂ. ૧૬.૦૮ લાખ કરોડ પર પહોંચી છે. તમામ ૧૪ ખરીફ પાકોની વાત કરીએ તો ખેડૂતોના ખિસ્સામાં રૂ. ૧૮.૯૯ લાખ કરોડ જેટલી માતબર રકમ સીધી પહોંચી છે, જે ખેતી ક્ષેત્રે આવેલી મોટી ક્રાંતિ સૂચવે છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
