News of Saturday, 26th September 2026
બેંક ગ્રાહકો માટે ખુશખબર: ૨૮થી ૩૦ સપ્ટેમ્બર સુધી ATMમાંથી ગમે તેટલી વાર ફ્રીમાં પૈસા ઉપાડી શકાશે, વધારાનો ચાર્જ માફ!
ત્રણ દિવસીય દેશવ્યાપી બેંક હડતાળને ધ્યાને રાખી સરકારી અને ખાનગી બેંકોનો મોટો નિર્ણય: મફત ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂરી થયા બાદ પણ લાગતો ચાર્જ નહીં વસૂલાય

નોઈડા : દેશભરના બેંક ગ્રાહકો અને ખાતેદારો માટે એક અત્યંત રાહતજનક સમાચાર આવ્યા છે. આગામી ૨૮થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન તમામ સરકારી અને ખાનગી બેંકોના કર્મચારી સંગઠનો (UFBU) દ્વારા ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ હડતાળ દરમિયાન લોકોને રોકડ રકમની અછત કે નાણાકીય કટોકટીનો સામનો ન કરવો પડે તે માટે સરકારી અને ખાનગી બેંકોએ ગ્રાહકોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. ત્રણ દિવસ સુધી ગ્રાહકો કોઈપણ બેંકના ATMમાંથી ગમે તેટલી વાર પૈસા ઉપાડશે તો પણ તેમની પાસે કોઈ વધારાનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવશે નહીં.
એસબીઆઈ (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB) સહિતની દેશની પ્રમુખ બેંકોએ પોતપોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ મૂકીને આ અંગેની સ્પષ્ટતા કરી છે. સામાન્ય રીતે આરબીઆઈ (RBI)ના નિયમો મુજબ ગ્રાહક મહિનામાં નિશ્ચિત મર્યાદા (મહાનગરોમાં ૩ વાર અને અન્ય વિસ્તારોમાં ૫ વાર) કરતાં વધુ વખત ATM ટ્રાન્ઝેક્શન કરે તો બેંક દ્વારા વધારાનો ચાર્જ વસૂલવામાં આવે છે. પરંતુ ૨૮થી ૩૦ સપ્ટેમ્બરના હડતાળના ગાળા દરમિયાન આ તમામ પ્રકારના ચાર્જીસ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવ્યા છે. ગ્રાહકો પોતાની કે અન્ય કોઈપણ બેંકના ATMમાંથી સરળતાથી પૈસા ઉપાડી શકશે.
અઠવાડિયામાં ૫ દિવસ કામકાજની માંગ સાથે બેંક કર્મચારીઓની હડતાળ
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા અઠવાડિયામાં ૫ દિવસ બેન્કિંગ (5-Day Banking) લાગુ કરવાની મુખ્ય માંગણી સાથે આ હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. હડતાળના કારણે બેંકોની શાખાઓમાં કામકાજ ખોરવાવાની શક્યતા હોવાથી બેંકોએ ATMમાં પૂરતી રોકડ ઉપલબ્ધ કરાવવા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં અવરોધ ન આવે તે માટે વિશેષ ટીમો તૈનાત કરી છે. ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના જરૂરી બેન્કિંગ કામકાજ સમયસર પૂર્ણ કરી લે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
