તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ગોંદિયા-બાલાઘાટ હાઇ-વે પર ગોઝારો અકસ્માત: બોલેરો અને ટ્રક વચ્ચેની ભયાનક ટક્કરમાં ૩ વર્ષના માસૂમ બાળક સહિત ૬ શ્રમિકોના કાળજું કંપાવી દે તેવા મોત!
રોજીરોટી કમાવવા નીકળેલા પરિવારો પર કાળનો પંજો; ક્ષત-વિક્ષત બોલેરોમાંથી ગેસ કટર વડે મૃતદેહો બહાર કઢાયા, ૭ લોકોની હાલત અત્યંત ગંભીર.

ગોંદિયા, તા. ૦૯: મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની સરહદને જોડતા ગોંદિયા-બાલાઘાટ સ્ટેટ હાઇ-વે પર મોડી રાત્રે એક અત્યંત દર્દનાક અને કાળજું કંપાવી દેનારી માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. ગોંદિયા ગ્રામીણ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા નાગરા ગામ નજીક એક પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે શ્રમિકોથી ખીચોખીચ ભરેલી બોલેરો ગાડીને કાળમુખી ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ એક ૩ વર્ષના નિષ્પાપ બાળક અને મહિલાઓ સહિત કુલ ૬ શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ હૃદયકંપાવનારી દુર્ઘટનામાં અન્ય ૭ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના કિરણાપુર અને લાંજી વિસ્તારના વિવિધ ગામોમાંથી ગરીબ શ્રમિક પરિવારો પોતાના નાના બાળકો સાથે રોજીરોટીની શોધમાં તેલંગાણા મજૂરી કામ માટે જઈ રહ્યા હતા. રાત્રિના આશરે ૧૧:૩૦ વાગ્યાના સુમારે તેમની બોલેરો ગોંદિયાથી માત્ર ૫ કિલોમીટર દૂર નાગરા પહોંચી, ત્યારે જ સામેથી આવતી બેફામ ટ્રકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કરનો કાન ફાડી નાખે તેવો અવાજ સાંભળી સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. બોલેરો સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હોવાથી અંદર ફસાયેલા મૃતદેહો અને લોહીલુહાણ ઈજાગ્રસ્તોને ગેસ કટરથી પતરાં કાપીને બહાર કાઢવા પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ૬ લોકોને મૃત જાહેર કર્યા હતા. ગોંદિયા ગ્રામીણ પોલીસે સ્થાનિકોના નિવેદનના આધારે ટ્રક ચાલક મોહસીન ખાન સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. રોજીરોટી કમાવવા નીકળેલા શ્રમિક પરિવારો પર કાળનો પંજો ત્રાટકતાં મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી ગામોમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
