તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ગોલ્ડી બરાડ કેનેડાનો નંબર ૧ વોન્ટેડ ભાગેડુઃ રૂ.૧.૬૩ કરોડનું ઇનામ જાહેર
ગેંગસ્ટર સતવિદરજીત સિહ ઉર્ફે ગોલ્ડી બરાડ કેનેડાના ૨૫ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં પહેલા નંબરે

નવી દિલ્હી,તા.૨૦: ભારતમાં અનેક કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર સતવિદરજીત સિહ ઉર્ફે ગોલ્ડી બરાડની મુશ્કેલીઓ વધી ગઈ છે. કેનેડાના બોલો પ્રોગ્રામ અને વિનીપેગ પોલીસે તેને દેશના ૨૫ સૌથી વોન્ટેડ ભાગેડુઓની નવી યાદીમાં સામેલ કર્યો છે. આ યાદીમાં ગોલ્ડી બરાડ પ્રથમ સ્થાને છે. પોલીસે તેની ધરપકડમાં મદદરૂપ થાય તેવી માહિતી આપનાર વ્યક્તિ માટે ૨.૫ લાખ કેનેડિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. ભારતીય રૂપિયામાં આ રકમ આશરે ૧.૬૩ કરોડ રૂપિયા થાય છે. કેનેડામાં આ કાર્યવાહી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ વિનીપેગમાં સુખદૂલ સિહ ગિલ ઉર્ફે સુખા દુનેકેની હત્યાના કેસમાં કરવામાં આવી છે. ભારત, કેનેડા અને અમેરિકાની એજન્સીઓની ઘેરાબંધી વચ્ચે હવે ગોલ્ડી બરાડની શોધખોળ ઝડપી થઈ ગઈ છે.
કેનેડાની પોલીસને ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ વિનીપેગમાં થયેલા સુખા દુનેકે હત્યાકાંડમાં ગોલ્ડી બરાડની શોધ છે. બોલો પ્રોગ્રામ અને વિનીપેગ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તેની ધરપકડમાં મદદરૂપ થાય તેવી નક્કર માહિતી આપનારને આ ઇનામ મળશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨.૫ લાખ કેનેડિયન ડોલરના આ ઇનામની જાહેરાત ૨ નવેમ્બર ૨૦૨૭ સુધી માન્ય રહેશે. એક કેનેડિયન ડોલરની કિમત ૬૫.૨૨ ભારતીય રૂપિયા ગણતાં આ રકમ ૧ કરોડ ૬૩ લાખ રૂપિયાથી વધુ થાય છે. કેનેડાના ટોપ-૨૫ ભાગેડુઓની યાદીમાં ટોચનું સ્થાન મળ્યા બાદ ત્યાંની સુરક્ષા એજન્સીઓ તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી છે.
ગોલ્ડી બરાડ પર સકંજો કસવામાં માત્ર કેનેડા જ નહીં, પરંતુ અમેરિકાની તપાસ એજન્સી FBI પણ લાગેલી છે. FBIએ તેને પોતાના ટોપ-૧૦ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ કર્યો છે. અમેરિકાની એજન્સીએ પણ તેની ધરપકડમાં મદદરૂપ થાય તેવી માહિતી આપનારને ૧૦ લાખ અમેરિકન ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ઇન્ટરપોલ પણ તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી ચૂક્યું છે.
તપાસ એજન્સીઓ પાસે એવા પુરાવા હતા કે ભારતમાંથી ભાગ્યા બાદ ગોલ્ડી બરાડ લાંબા સમય સુધી કેનેડામાં રહ્યો હતો. ત્યારબાદ તે અમેરિકા શિફટ થઈ ગયો હતો. લોરેન્સ બિશ્નોઈથી અલગ થયા બાદ તે અમેરિકામાં રહીને જ રોહિત ગોદારા સાથે મળીને પોતાની ગેંગ ચલાવતો હતો. જોકે, અમેરિકામાં એજન્સીઓની કડકાઈ વધ્યા બાદ હાલમાં તેનું ચોક્કસ ઠેકાણું કોઈને ખબર નથી.
જૂન ૨૦૨૪માં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ચંદીગઢમાં નોંધાયેલા ખંડણી સંબંધિત એક કેસમાં ગોલ્ડી બરાડ અને તેના સાથી ગોલ્ડી ઢિલ્લોં પર ૧૦-૧૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. NIAએ બંને વિશે માહિતી આપનાર વ્યક્તિને આ ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
