News of Saturday, 1st August 2026
પર્વતારોહણ જગતનો સુવર્ણ સૂરજ આથમ્યો: વિશ્વ વિખ્યાત નેપાળી પર્વતારોહક નિર્મલ પુરજાનું પાકિસ્તાનમાં હિમપ્રપાતમાં કરૂણ મોત, સમગ્ર વિશ્વમાં શોકની લાગણી!
ઉત્તર પાકિસ્તાનના ૮,૦૪૭ મીટર ઊંચા બ્રોડ પીક પર સર્જાયું ભૂસ્ખલન; નિર્મલ પુરજા સહિત ચાર પર્વતારોહકોના મૃત્યુની પુષ્ટિ, અન્ય લાપતા લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

કાઠમંડુ : પર્વતારોહણના ઇતિહાસમાં અનેક અશક્ય રેકોર્ડ પોતાના નામે કરનાર વિશ્વ વિખ્યાત નેપાળી પર્વતારોહક નિર્મલ પુરજા (નિમ્સદાઈ) ને લઈને અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પાકિસ્તાનમાં આવેલા વિશ્વના ૧૪મા સૌથી ઊંચા પર્વત બ્રોડ પીક (Broad Peak) પર અભિયાન દરમિયાન થયેલા ભયાનક હિમપ્રપાત અને ભૂસ્ખલનની દુર્ઘટનામાં નિર્મલ પુરજાનું કરૂણ મૃત્યુ થયું છે. તેમના ફાઉન્ડેશન દ્વારા આ દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જેનાથી વૈશ્વિક પર્વતારોહણ જગતમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
બ્રોડ પીક પર ભૂસ્ખલન: ૧૦ પર્વતારોહકો ફસાયા હતા
ગુરુવારે બપોરના સુમારે ઉત્તર પાકિસ્તાનમાં ૮,૦૪૭ મીટર (૨૬,૪૦૧ ફૂટ) ની ઊંચાઈ ધરાવતા બ્રોડ પીક પર અચાનક ભૂસ્ખલન અને હિમપ્રપાત તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના સમયે ત્યાં હાજર ૧૦ જેટલા દિગ્ગજ પર્વતારોહકો ગુમ થયા હતા. ભારે જહેમત બાદ અત્યાર સુધીમાં ૪૩ વર્ષીય નિર્મલ પુરજા ઉપરાંત ઓમાની પર્વતારોહક નાધિરા અલ હાર્થી, નેપાળી પર્વતારોહક પુર બહાદુર ગુરુંગ "યુક્તા" અને યુએસ પર્વતારોહક સારાહ મેલોરી ગીસ સહિત ઓછામાં ઓછા ચાર પર્વતારોહકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ, જીવિત મળવાની આશા નહિવત
પાકિસ્તાન આલ્પાઇન ક્લબના પ્રવક્તા નૈલા કિયાનીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની પર્વતો નેપાળના પર્વતો કરતા ખૂબ જ અલગ અને ખતરનાક છે. હજુ પણ તે જ વિસ્તારમાં સતત હિમપ્રપાત થવાનું જોખમ રહેલું હોવાથી રેસ્ક્યુ ટીમ માટે પણ કામગીરી કરવી જોખમી બની ગઈ છે. બાકીના લાપતા પર્વતારોહકોના બચવાની સંભાવના હવે ખૂબ જ ઓછી હોવાનું કટોકટી કાર્યકરોએ જણાવ્યું છે. નિમ્સદાઈ ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું હતું કે, "આજે આપણે માત્ર નિમ્સ જ નહીં, પરંતુ એક સાચા સાહસિક અને તેમના ક્લાઇમ્બિંગ પાર્ટનર્સને ખોયા છે. તેમનો અદ્ભુત વારસો હંમેશાં જીવંત રહેશે."
છ મહિનામાં ૧૪ શિખરો સર કરીને રચ્યો હતો ઇતિહાસ
બ્રિટિશ સૈન્યના ભૂતપૂર્વ સૈનિક રહી ચુકેલા નિર્મલ પુરજાએ પોતાની અસાધારણ સહનશક્તિથી અનેક રેકોર્ડ તોડ્યા હતા. વર્ષ ૨૦૧૯ માં તેમણે વિશ્વભરના ૮,૦૦૦ મીટરથી વધુ ઊંચા ૧૪ શિખરો માત્ર ૬ મહિના અને ૬ દિવસમાં સર કરીને અકલ્પનીય રેકોર્ડ બનાવ્યો હતો. નેપાળના શેરપા પર્વતારોહકોને વૈશ્વિક સ્તરે માન અને ઓળખ અપાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય હતું. તેમના અચાનક અવસાનથી સાહસિક ખેલ જગતમાં ક્યારેય ન ભરાઈ શકે તેવી ખોટ પડી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
