News of Thursday, 7th May 2026
થાઈલેન્ડમાં ૫ વર્ષ સુધી રહેવાની સુવર્ણ તક: માત્ર ₹૨૫,૦૦૦માં મેળવો ખાસ વીઝા, ડિજિટલ નોમેડ્સ અને ફ્રીલાન્સર્સ માટે શાનદાર 'ડેસ્ટિનેશન થાઈલેન્ડ વીઝા' (DTV) ઓફર
૧૮૦ દિવસ સુધી રોકાણની છૂટ અને વિદેશી કંપનીઓ માટે કામ કરવાની આઝાદી: જાણો બેંક બેલેન્સથી લઈને અરજી સુધીની તમામ વિગતો

બેંગકોક, તા.૦૭: ભારતીયોના સૌથી મનપસંદ પ્રવાસન સ્થળ એવા થાઈલેન્ડે પ્રવાસીઓ અને વ્યાવસાયિકો માટે તેના દરવાજા વધુ મોકળા કર્યા છે. હવે તમે થાઈલેન્ડમાં માત્ર એક પ્રવાસી તરીકે જઈને પાછા ફરવાને બદલે ત્યાં રહીને કામ પણ કરી શકશો. થાઈ સરકારે 'ડેસ્ટિનેશન થાઈલેન્ડ વીઝા' (DTV) નામની એક નવી સ્કીમ શરૂ કરી છે, જેની હેઠળ અંદાજે ૨૫,૦૦૦ રૂપિયાના ખર્ચે પાંચ વર્ષની વેલિડિટી ધરાવતો વીઝા મેળવી શકાય છે.
આ વીઝાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 'મલ્ટિપલ એન્ટ્રી' સુવિધા આપે છે. આ વીઝા ધારક વ્યક્તિ એકવાર થાઈલેન્ડ ગયા પછી સતત ૧૮૦ દિવસ સુધી ત્યાં રહી શકે છે. જો ૧૮૦ દિવસ પછી પણ વધુ રોકાણ કરવું હોય, તો તેને બીજા ૧૮૦ દિવસ માટે લંબાવી શકાય છે. આમ, લાંબા ગાળા સુધી થાઈલેન્ડના કલ્ચરનો આનંદ માણતા માણતા કામ કરવાની આ એક ઉત્તમ તક છે.
કોણ લઈ શકે છે આ વીઝાનો લાભ?
આ વીઝા ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જેઓ દુનિયાના કોઈપણ ખૂણેથી ઓનલાઈન કામ કરી શકે છે.
• ડિજિટલ નોમેડ્સ: આઈટી પ્રોફેશનલ્સ અને ફ્રીલાન્સર્સ જેઓ વિદેશી ક્લાયન્ટ્સ માટે કામ કરે છે.
• વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ: જેઓ થાઈ કુકિંગ અથવા થાઈ બોક્સિંગ જેવી સ્થાનિક કળાઓ શીખવા માંગે છે.
• મેડિકલ ટૂરિઝમ: સારવાર અથવા વેલનેસ પ્રોગ્રામ માટે આવતા લોકો.
• નોંધ: આ વીઝા પર તમે થાઈલેન્ડની સ્થાનિક કંપનીમાં નોકરી કરી શકશો નહીં. તમારું કામ વિદેશી કંપની કે ક્લાયન્ટ માટે હોવું જોઈએ.
નાણાકીય શરતો અને ફી
આ વીઝા મેળવવા માટે ઉમેદવારે આર્થિક સદ્ધરતા સાબિત કરવી પડશે. અરજદારના બેંક ખાતામાં ઓછામાં ઓછા ૫,૦૦,૦૦૦ થાઈ બાત (અંદાજે ૧૪.૬૫ લાખ રૂપિયા) હોવા જરૂરી છે. પુરાવા તરીકે બેંક સ્ટેટમેન્ટ અથવા સેલેરી સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. અહીં નોંધવું રહ્યું કે ક્રિપ્ટોકરન્સી કે શેરબજારના રોકાણને આર્થિક પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે નહીં.
જો કોઈ વ્યક્તિ ૧૮૦ દિવસના રોકાણ બાદ પણ વધુ રોકાવા ઈચ્છે, તો ૧,૯૦૦ થાઈ બાત (અંદાજે ૫,૫૦૦ રૂપિયા) વધારાની ફી ચૂકવીને સ્ટે એક્સટેન્ડ કરાવી શકે છે. જે લોકો પાસે 'વર્ક ફ્રોમ હોમ'ની સુવિધા છે તેમના માટે થાઈલેન્ડની સુંદરતા વચ્ચે રહેવાની આ એક લક્ઝરી ઓફર સાબિત થશે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
