તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
પંજાબના યુવાનો માટે કરોડપતિ બનવાની સુવર્ણ તક: CM ભગવંત માને શરૂ કરી 'પંજાબ દા કરોડપતિ' ક્વિઝ સ્પર્ધા : વિજેતાને મળશે ₹૧ કરોડ!
૧૫ થી ૩૦ વર્ષની વયના યુવાનો માટે ૧૫ નવેમ્બરથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ : કુલ ૯ રોમાંચક રાઉન્ડમાં ૧૦,૦૦૦ સહભાગીઓને મળશે લાખો રૂપિયાના રોકડ ઇનામો

ચંદીગઢ: પંજાબના યુવાનોને પોતાની બૌદ્ધિક પ્રતિભા દર્શાવવા અને રાતોરાત કરોડપતિ બનવાની એક અનોખી અને સુવર્ણ તક મળી છે, કારણ કે મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાજ્યના યુવાનો માટે ખાસ 'પંજાબ દા કરોડપતિ' ક્વિઝ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા માટે એક વિશેષ પોર્ટલ પણ લોન્ચ કરાયું છે, જેના પર પંજાબના તમામ ૨૩ જિલ્લાઓના ૧૫ થી ૩૦ વર્ષની વયજૂથના યુવાનો ૧૫ નવેમ્બરથી ૨૮ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ અનોખી ક્વિઝમાં પંજાબનો ઇતિહાસ, પંજાબી ભાષા અને સંસ્કૃતિ ઉપરાંત સામાન્ય જ્ઞાન અને પંજાબ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ આપવા માટે સ્પર્ધકોને પંજાબી અને અંગ્રેજી એમ બંને ભાષાઓનો વિકલ્પ મળશે.
આ સમગ્ર ક્વિઝ સ્પર્ધા કુલ નવ રોમાંચક રાઉન્ડમાં યોજાશે, જેમાં પ્રથમ ચાર રાઉન્ડ પસંદગી પ્રક્રિયાનો ભાગ રહેશે અને તેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ૧૦,૦૦૦ સહભાગીઓ પાંચમા રાઉન્ડમાં પ્રવેશ મેળવશે. ત્યારબાદ દરેક તબક્કે સ્પર્ધકોની સંખ્યા ઘટતી જશે અને વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામોથી નવાજવામાં આવશે, જેમાં પાંચમા રાઉન્ડમાં ૫,૦૦૦ સ્પર્ધકોને ₹૧,૦૦૦, છઠ્ઠા રાઉન્ડમાં ૨,૫૦૦ સ્પર્ધકોને ₹૨,૦૦૦, સાતમા રાઉન્ડમાં ૧,૨૫૦ સ્પર્ધકોને ₹૩,૦૦૦, આઠમા રાઉન્ડમાં ૬૨૫ સ્પર્ધકોને ₹૫,૦૦૦ અને નવમા રાઉન્ડમાં ૩૯૫ સ્પર્ધકોને ₹૧૦,૦૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવશે.
સ્પર્ધાના અંતિમ તબક્કામાં ૯ ડિસેમ્બરના રોજ જિલ્લા સ્તરની ફાઇનલ યોજાશે, જેમાં તમામ ૨૩ જિલ્લાઓમાંથી ટોચના ૧૦-૧૦ સ્પર્ધકો મળીને કુલ ૨૩૦ પ્રતિભાશાળી યુવાનો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. દરેક જિલ્લામાંથી પસંદ થયેલા ૧-૧ વિજેતા એટલે કે કુલ ૨૩ જિલ્લા વિજેતાઓ ૧૭ ડિસેમ્બરે યોજાનારી રાજ્ય સ્તરની મહા-ફાઇનલમાં ટકરાશે, જ્યાં ૧૦ સ્પર્ધકોને ₹૩ લાખ, ૮ સ્પર્ધકોને ₹૫ લાખ, ૪ સ્પર્ધકોને ₹૧૦ લાખ અને સ્પર્ધાના પ્રથમ વિજેતા બનનાર ભાગ્યશાળી યુવાનને ₹૧ કરોડનું ભવ્ય રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
