તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
દેશવ્યાપી કુરિયર નેટવર્ક દ્વારા સોનાની તસ્કરીનું કૌભાંડ છતું: ડીઆરઆઈ દ્વારા ૪૭૫ કરોડ રૂપિયાના સોનાની હેરાફેરી કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, માસ્ટરમાઇન્ડ સહિત ૧૧ શખ્સોની ધડપકડ
બાંગ્લાદેશ સરહદેથી પશ્ચિમ બંગાળ અને આસામ થઈ મુંબઈ, અમદાવાદ તથા દિલ્હી સુધી કુરિયર મારફતે સોનું મોકલવાની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો; દરોડા દરમિયાન રૂ. ૧૦.૩૬ કરોડની કિંમતનું સોનું જપ્ત

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા 'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ એક વિશાળ અને સંગઠિત આંતરરાજ્ય સોનાની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા આ દેશવ્યાપી વિશિષ્ટ ઓપરેશનમાં કુરિયર સેવાઓના ગેરકાયદે ઉપયોગ મારફતે વિદેશી બનાવટના સોનાની હેરાફેરી કરતી ટોળકીના માસ્ટરમાઇન્ડ સહિત કુલ ૧૧ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૩ સપ્ટેમ્બરથી શરૂ કરાયેલી આ શ્રેણીબદ્ધ કાર્યવાહી દરમિયાન ડીઆરઆઈના અધિકારીઓએ મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ગુવાહાટી જેવા પાંચ મુખ્ય શહેરોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ તપાસમાં સામે આવ્યું છે કે ભારત-બાંગ્લાદેશ સીમા પરથી ગેરકાયદે રીતે લાવવામાં આવેલું વિદેશી સોનું પશ્ચિમ બંગાળ અને આસામથી નાના-નાના કુરિયર પાર્સલોમાં પેક કરીને મુંબઈ, અમદાવાદ અને દિલ્હીના ખરીદદારો સુધી પહોંચાડવામાં આવતું હતું.
દરોડા દરમિયાન ડીઆરઆઈએ તાજેતરમાં જ ટ્રાન્સપોર્ટ થઈ રહેલા કુરિયર પાર્સલોને આંતરીને ૬.૬૧ કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૧૦.૩૬ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ જપ્ત કરાયેલું સોનું કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની સંબંધિત જોગવાઈઓ હેઠળ કબજે કરવામાં આવ્યું છે.
સઘન પૂછપરછ અને જપ્ત કરાયેલા દસ્તાવેજોની પ્રાથમિક છાનબીન પરથી એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ સિન્ડિકેટે ચાલુ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન જ કુરિયર નેટવર્કનો ઉપયોગ કરીને આશરે ૩૧૮ કિલોગ્રામ વિદેશી સોનાની દેશભરમાં સફળતાપૂર્વક ડિલિવરી કરી દીધી હતી. આ હેરાફેરી કરાયેલા સોનાની અંદાજિત કિંમત ૪૭૫ કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે.
ડીઆરઆઈની જુદી જુદી ટીમોએ કુરિયર મેળવનારા સાત લોકો, સોનું મોકલનાર ત્રણ સ્થાનિક શિપર્સ અને મુંબઈમાંથી સમગ્ર રેકેટનું સંચાલન કરતા મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઇન્ડ)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મલ્ટી-સિટી ઓપરેશન બાદ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નાણાકીય વ્યવહારો તપાસવા માટે આગળની ઊંડી તપાસ ચાલુ રાખવામાં આવી છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
