<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

સોના-ચાંદીના ભાવમાં ભડકો: વીતેલા સપ્તાહમાં સોનું ₹૨૭૦૦ અને ચાંદી ₹૨૪૦૦થી વધુ મોંઘી થઈ, ઔદ્યોગિક માંગ વચ્ચે કિંમતી ધાતુઓમાં જોવા મળી બુલંદ તેજી!

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર ૨૪ કેરેટ સોનું ₹૧.૫૨ લાખ પાર પહોંચ્યું, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹૨.૩૩ લાખને આંબી ગયો.

અમદાવાદ: ભારતીય ઝવેરી બજારમાં વીતેલા સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો માટે કિંમતી ધાતુઓ ફરી એકવાર સુરક્ષિત રોકાણનો મજબૂત વિકલ્પ સાબિત થઈ રહી છે. ગત સપ્તાહમાં સોના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામે ૨,૭૦૦ રૂપિયાથી વધુનો ધરખમ વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં પણ પ્રતિ કિલો ૨,૪૦૦ રૂપિયાથી વધુનો સપાટો બોલાયો છે.

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા અનુસાર, ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ. ૨,૭૪૨ વધીને રૂ. ૧,૫૨,૩૬૩ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચી ગયો છે, જે અગાઉ રૂ. ૧,૪૯,૬૨૧ હતો. આ જ રીતે ૨૨ કેરેટ સોનું વધીને રૂ. ૧,૩૯,૫૬૫ અને ૧૮ કેરેટ સોનું રૂ. ૧,૧૪,૨૭૨ પ્રતિ ૧૦ ગ્રામ થયું છે. સપ્તાહ દરમિયાન ૧૦ ઓગસ્ટે સોનાનો સૌથી નીચો ભાવ રૂ. ૧,૫૦,૬૪૧ રહ્યો હતો, જ્યારે ૧૨ ઓગસ્ટે સાંજે સોનાએ રૂ. ૧,૫૩,૪૧૯ ની સર્વોચ્ચ સપાટી સર કરી હતી.

બીજી તરફ, ચાંદીની ચમક પણ અવિરત વધી રહી છે. વીતેલા અઠવાડિયામાં ચાંદી રૂ. ૨,૪૬૯ મોંઘી થઈને પ્રતિ કિલો રૂ. ૨,૩૩,૮૪૨ના મજબૂત સ્તરે બંધ રહી હતી. ૧૨ ઓગસ્ટના રોજ ચાંદીએ પ્રતિ કિલો રૂ. ૨,૩૭,૨૧૪નો ઓલ-ટાઇમ હાઇ ભાવ નોંધાવ્યો હતો. નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને સ્થાનિક માંગના કારણે આગામી દિવસોમાં પણ સોના-ચાંદીના ભાવમાં વધઘટ સાથે મજબૂતી જળવાઈ રહેવાની શક્યતા છે.

(7:22 PM IST)