News of Friday, 13th November 2026
સોના અને ચાંદીના ભાવમાં ફરી તેજી :સોનું ₹1,37,587 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹1,80,199 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ
નિષ્ણાતોના મતે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારવાની આશંકા : શું આ તેજી લાંબો સમય ટકી શકશે?

ભારતીય બુલિયન બજારમાં છેલ્લા કેટલાક દિવસોની ભારે મંદી બાદ ફરી એકવાર સોના અને ચાંદીની કિંમતોમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ₹1,36,502 પ્રતિ 10 ગ્રામના સ્તરે ખુલ્યા બાદ કારોબાર દરમિયાન વધીને ₹1,37,587 પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
એક વર્ષના નીચલા સ્તરેથી સોનાના ભાવ સંભાળતા નજરે પડ્યા છે. બીજી તરફ, ચાંદીની શરૂઆત ₹1,79,692 પ્રતિ કિલોના ઘટાડા સાથે થઈ હતી, પરંતુ ત્યારબાદ તેમાં પણ જબરદસ્ત રિકવરી આવતા ભાવ ₹1,80,199 પ્રતિ કિલોને પાર પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર પણ સોનું $3,850 ના નીચલા સ્તરેથી સુધરીને $3,920 પ્રતિ ઔંસ આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી 52 સપ્તાહના નીચલા સ્તર $48.050 પ્રતિ ઔંસ નજીક પહોંચીને સંભાળી છે.
બજારના નિષ્ણાતોનું માનવું છે કે સોના અને ચાંદીમાં આવેલા આ ઉછાળાને અત્યારે જ કોઈ મોટી તેજી માની લેવી ઉતાવળ ગણાશે. આગામી દિવસોમાં કિંમતી ધાતુઓની ચાલ પર અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના નિર્ણયોની સીધી અસર જોવા મળશે.
અમેરિકામાં ફરી મોંઘવારી વધવાની આશંકાને કારણે આગામી મહિનાની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. આ ચર્ચાને પગલે અમેરિકન ડોલર અને બોન્ડ યીલ્ડ મજબૂત બન્યા છે, જે સોના-ચાંદીની માંગ પર દબાણ લાવી શકે છે.
ટેકનિકલ વિશ્લેષકોના મતે, ચાંદીમાં મજબૂત તેજી માટે આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું $52 પ્રતિ ઔંસની ઉપર ટકવું અનિવાર્ય છે. જો ચાંદી $49 ની નીચે સરકે તો ભાવ $46.50 સુધી ગગડી શકે છે. હાલમાં ચાંદીનો RSI (Relative Strength Index) આશરે 32 પર છે, જે સૂચવે છે કે ચાંદી ઓવરસોલ્ડ ઝોનની નજીક છે અને સતત ઘટાડા બાદ ખરીદીની તક બની શકે છે.
ઘરેલુ બજારમાં MCX પર ચાંદી માટે ₹1,88,000 પ્રતિ કિલોનું સ્તર અત્યંત મહત્વનું છે, તેની ઉપર ટકવાથી સ્થિરતા આવશે. પરંતુ જો ભાવ ₹1,78,000 ની નીચે જશે તો ચાંદી ₹1,72,000 પ્રતિ કિલો સુધી સરકી શકે છે. ભારતીય રૂપિયાની નબળાઈ ઘરેલુ ભાવને થોડો ટેકો આપી રહી છે, તેથી રોકાણકારોએ ઉતાવળ કરવાને બદલે મહત્વના સ્તરો પર નજર રાખવી જરૂરી છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
