તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
સોનાના ભાવમાં મોટા કડાકાનું એંધાણ: કિંમત ઘટીને ૧.૧૦ થી ૧.૧૫ લાખના લેવલે પહોંચશે? બેંક ઓફ અમેરિકાનું ચિંતાજનક અનુમાન!
સતત બીજા સપ્તાહે કિંમતો તૂટ્યા બાદ BofA એ સોના માટે રજૂ કર્યું નવું આઉટલુક: ક્રૂડ ઓઈલ અને મોંઘવારીનું દબાણ વૈશ્વિક બજાર પર હાવી રહેવાની શક્યતા

મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી રોકેટ ગતિએ વધતી સોનાની કિંમતો પર હવે બ્રેક વાગતી દેખાઈ રહી છે. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં સતત બીજા સપ્તાહે જોવા મળેલા ભારે ઘટાડા વચ્ચે વૈશ્વિક વિત્તીય સંસ્થા 'બેંક ઓફ અમેરિકા' (BofA) એ એક ચોંકાવનારું આઉટલુક રજૂ કર્યું છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બની શકે છે. બેંકના તાજેતરના અહેવાલ મુજબ, ચાલુ વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ઘટીને ૪,૦૦૦ ડોલર પ્રતિ ઔંસની નીચે આવી શકે છે અને તે આશરે ૩,૭૫૦ ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.
ભારતીય બજાર પર શું અસર પડશે?
બેંક ઓફ અમેરિકાના આ વૈશ્વિક અનુમાનને જો ભારતીય કરન્સીમાં સરખાવવામાં આવે તો તે આશરે ૧.૧૫ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ જેટલું થાય છે. જોકે, નિષ્ણાતોના મતે ભારતીય બજારમાં સોનાનો આખરી ભાવ ડોલર-રૂપિયાના વિનિમય દર (Exchange Rate) અને સ્થાનિક માંગ-પુરવઠાની પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે. અત્યાર સુધી બજારમાં ૧.૧૦ લાખ રૂપિયા કે તેથી પણ નીચેના લેવલની ચર્ચાઓ વહેતી થઈ છે.
BofA એ કેમ બદલ્યું પોતાનું વલણ?
ઉલ્લેખનીય છે કે બેંક ઓફ અમેરિકા છેલ્લા બે વર્ષથી સોનાની કિંમતો અંગે અત્યંત તેજીમય વલણ ધરાવતી સંસ્થા રહી છે અને તેણે સૌથી પહેલાં સોનું ૫,૦૦૦ ડોલર પ્રતિ ઔંસ પહોંચવાની આગાહી કરી હતી. પરંતુ હવે બેંકે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. બેંકના મતે, એનર્જી (ઊર્જા) ની વધી રહેલી કિંમતોને કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારીનું દબાણ વધવાની આશંકા છે. મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ જો વધુ ઊંચા જાય, તો તે સોનાની તેજી માટે મોટો પડકાર બની શકે છે.
વૈશ્વિક અને ભારતીય બજારની વર્તમાન સ્થિતિ
વર્તમાન વૈશ્વિક બજારમાં સોનું ૪,૨૧૭ ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી ૬૧ ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે. બીજી તરફ, ભારતીય વાયદા બજાર (MCX) માં સોનાનો ભાવ આશરે ૧,૫૦,૨૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીનો ભાવ ૨,૨૫,૫૪૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગયો છે. બજારના આગામી વલણ પર હવે વિશ્વભરના રોકાણકારોની નજર ટકેલી છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
