News of Wednesday, 29th July 2026
ભારતમાં ગોલ્ડ લોન ક્ષેત્રે ધમાકેદાર ઉછાળો: FY28 સુધીમાં ગોલ્ડ લોન માર્કેટ ₹૩૦ લાખ કરોડના આંકડાને સ્પર્શશે, ICRA નો મોટો દાવો!
સોનાના ભાવમાં તીવ્ર વધારા અને ઊંચી માંગ વચ્ચે NBFCs અને બેંકો વચ્ચે લોન વહેંચવાની હોડ; આગામી બે વર્ષમાં NBFCs નો પોર્ટફોલિયો વાર્ષિક ૩૫% ના દરે વધવાનો અંદાજ

મુંબઈ : ભારતીય નાણાકીય બજારમાં ગોલ્ડ લોન (સોના સામે ધિરાણ) ની માંગ અભૂતપૂર્વ ઝડપે વધી રહી છે. સ્થાનિક રેટિંગ એજન્સી 'ઇક્રા' (ICRA Ratings) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, વધતી જતી ગ્રાહક માંગ અને ધિરાણકર્તાઓની આક્રમક વ્યૂહરચનાને કારણે માર્ચ ૨૦૨૬ માં ₹૧૮ લાખ કરોડ રહેલો દેશનો એકંદર ગોલ્ડ લોન પોર્ટફોલિયો માર્ચ ૨૦૨૮ સુધીમાં વધીને રૂ. ૩૦ લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચવાની પૂરી શક્યતા છે.
બેંકો કરતાં NBFCs વધુ આક્રમક રફતાર પકડશે:
ઇક્રાના અહેવાલ મુજબ, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) આ ક્ષેત્રમાં બેંકોની સરખામણીએ વધુ ઝડપી વૃદ્ધિ નોંધાવશે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અને ૨૦૨૭-૨૮ દરમિયાન NBFCs ના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં વાર્ષિક ૩૫ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દર (CAGR) થી વધારો થવાની ધારણા છે, જ્યારે બેંકો માટે આ વૃદ્ધિ દર ૩૦ ટકા રહેવાનો અંદાજ છે. પરિણામે, કુલ ગોલ્ડ લોન માર્કેટમાં NBFCs નો હિસ્સો વધીને ૨૩ ટકા થઈ જશે.
સોનાના ઊંચા ભાવ મુખ્ય ચાલક બળ:
ઇક્રા સેક્ટરના વડા આર. શ્રીનિવાસને જણાવ્યું હતું કે નવી ફાઇનાન્સ કંપનીઓનું આગમન અને મોટી NBFCs દ્વારા શાખાઓનું વિસ્તરણ સેક્ટરને મજબૂત ટેકો આપી રહ્યું છે. જોકે, આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ ગિરવે મૂકાયેલા સોનાના જથ્થામાં વધારો નહીં, પરંતુ સોનાના ભાવમાં થયેલો જંગી વધારો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૬ દરમિયાન ગિરવે મુકાયેલા દાગીનાના વજનમાં માત્ર ૩ થી ૪ ટકાનો વધારો થયો હતો, પરંતુ લોન બુકમાં ૨૪ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ક્રેડિટ રિસ્ક મર્યાદિત રહેવાની શક્યતા:
ઝડપી વૃદ્ધિ અને વધતી સ્પર્ધાને કારણે ધિરાણકર્તાઓના નફા પર થોડું દબાણ આવી શકે છે, પરંતુ સોનાની પ્રવાહીતા અને ઊંચા મૂલ્યને કારણે ક્રેડિટ લોસ (ડૂબત લોન) નું જોખમ અત્યંત મર્યાદિત રહેશે. ખાસ કરીને રિટેલ, વપરાશ અને નાના વ્યવસાયો માટે ઝડપી લોન મેળવવા માટે ગોલ્ડ લોન ભારતીયોની પહેલી પસંદ બની રહી છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
