<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ગોલ્‍ડ લોન પોર્ટફોલિયો માર્ચ-૨૦૨૮ સુધીમાં વધીને ૩૦ લાખ કરોડ થશે

NBFCsની ગોલ્‍ડ લોન બુક આગામી બે વર્ષ ૩૫ ટકાના દરે વધશેઃ ઈકરા : બેન્‍કોની ગોલ્‍ડ લોન બુક આગામી બે વર્ષ ૩૦ ટકાના દરે વધશે

મુંબઈ,તા.૩૦: સ્‍થાનિક રેટિગ એજન્‍સી ઈકરાએ બુધવારે કહ્યું હતું કે સોનાના બદલામાં લોન લેવાનું વલણ ઝડપથી વધી રહ્યું છે, જેને કારણે ગોલ્‍ડ લોન પોર્ટફોલિયો માર્ચ-૨૦૨૮ સુધીમાં રૂ.૩૦ લાખ કરોડ થઈ જશે તેવો અંદાજ છે. હાલમાં ગોલ્‍ડ લોન પોર્ટફોલિયો રૂ.૧૮ લાખ કરોડ છે.

નોન-બેન્‍કિંગ ફાઈનાન્‍સ કંપનીઓ (NBFCs)ની એસેટ્‍સ અન્‍ડર મેનેજમેન્‍ટ (AUM) આગામી બે વર્ષ ૩૫ ટકાના દરે વધશે અને બેન્‍કોને પાછળ રાખી દેશે. કુલ લોન પોર્ટફોલિયોમાં તેમનો હિસ્‍સો હાલના ૨૨ ટકાથી વધીને ૨૩ ટકા થઈ જશે તેવો અંદાજ છે. સ્‍પર્ધા વધી રહી છે જેને કારણે તેમના બિઝનેસ યીલ્‍ડ પર દબાણ વધશે.

એનબીએફસીની કુલ ગોલ્‍ડ લોન બુક ચાલુ વર્ષે અને આવતા વર્ષે વાર્ષિક સરેરાશ ૩૫ ટકાના ચક્રવૃદ્ધિદરે વધશે જ્‍યારે બેન્‍કોની ગોલ્‍ડ લોન બુક આ બે વર્ષ દરમિયાન વાર્ષિક સરેરાશ ૩૦ ટકાના ચક્રવૃદ્ધિદરે વધશે તેવો અંદાજ છે. જોકે ક્રેડિટ લોસ મર્યાદિત બનશે કારણ કે કોલેટરલ તરલ છે.

ઈકરાએ કહ્યું કે છેલ્‍લાં બે વર્ષથી ગોલ્‍ડ લોનમાં વાર્ષિક ૩૮ ટકા વૃદ્ધિ જોવા મળી છે. તેમાં બેન્‍કોની ગોલ્‍ડ લોન બુક ૩૫ ટકાના દરે વધી છે, જ્‍યારે એનબીએફસીની ગોલ્‍ડ લોન બુક ૫૪ ટકાનો નોંધપાત્ર દરે વધી છે.

નવી કંપનીઓનો ગોલ્‍ડ લોન ક્ષેત્રે પ્રવેશ થયો છે અને મોટી એનબીએફસી તેમનું બ્રાન્‍ચ નેટવર્ક નોંધપાત્ર વિસ્‍તારી રહી છે, જે મજબૂત ગ્રોથ આઉટલૂકને સપોર્ટ કરે છે. ખાસ કરીને તાજેતરના સમયમાં અનસિક્‍યોર્ડ લેન્‍ડિંગમાં સ્‍ટ્રેસ છે તેમ છતાં વિસ્‍તરણ નોંધપાત્ર છે.

એનબીએફસી અને બેન્‍કોની રિટેલ ગોલ્‍ડ લોનમાં નોંધપાત્ર ગ્રોથ જોવા મળ્‍યો છે. એનબીએફસી કન્‍ઝક્‍શન કે બિઝનસે હેતુથી રિટેલ ગોલ્‍ડ લોન લેવા માગતા ગ્રાહકો પર ફોકસ કરે છે અને તેમની એયુએમ માર્ચ-૨૦૨૬ના અંતે રૂ.૪ લાખ કરોડ જેવી થઈ છે.

(10:39 AM IST)