<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

સોનાની મર્યાદા પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: ૫૦૦ ગ્રામ સોનું હોવા છતાં સ્ત્રોત જણાવવો ફરજિયાત

નિર્ધારિત મર્યાદામાં દાગીના રાખવા એટલે કૌભાંડ કે આવકવેરાની તપાસમાંથી મુક્તિ નહીં, પટના હાઇકોર્ટનો આદેશ રદ

નવી દિલ્હી : દેશમાં મહિલાઓ પાસે સોનું રાખવાના નિયમો અને મર્યાદાને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પરિણીત મહિલાઓ પાસે ૫૦૦ ગ્રામ સુધીનું સોનું રાખવાની છૂટ હોવાનો અર્થ એ નથી કે તેઓ તેની ખરીદી કે સંપાદનનો સ્ત્રોત જાહેર કરવાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. અપ્રમાણસર સંપત્તિના કેસોમાં નિર્ધારિત મર્યાદામાં સોનું હોવા છતાં તેનો હિસાબ આપવો અનિવાર્ય છે.

આ સમગ્ર મામલો બિહારના ફૂલપરી કુમારી સાથે જોડાયેલો છે, જેમના અને તેમના પતિ સામે વર્ષ ૨૦૧૫માં અપ્રમાણસર સંપત્તિનો કેસ દાખલ થયો હતો. વિજિલન્સ વિભાગ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ પટના હાઇકોર્ટે ૧૪ મે, ૨૦૨૬ના રોજ તેમની પાસે મર્યાદામાં સોનું હોવાના આધારે કેસની કાર્યવાહી રદ કરી દીધી હતી. જો કે, ૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથન અને અરુણ પલ્લીની બેન્ચે હાઇકોર્ટના આ નિર્ણયને ઉલટાવી દીધો છે અને કેસને વધુ સુનાવણી માટે પુનઃ સ્થાપિત કર્યો છે.

નાણા મંત્રાલયના ૧ ડિસેમ્બર, ૨૦૧૬ના નિર્દેશ મુજબ આવકવેરા તપાસ દરમિયાન પરિણીત મહિલા પાસે ૫૦૦ ગ્રામ, અપરિણીત મહિલા પાસે ૨૫૦ ગ્રામ અને પુરુષ પાસે ૧૦૦ ગ્રામ સુધીના દાગીના જપ્ત કરવામાં આવતા નથી. પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જપ્તી સામેનું આ રક્ષણ આપમેળે સોનાના માલિકી હક કે નાણાકીય સ્ત્રોતને કાયદેસર સાબિત કરતું નથી. સામાન્ય મહિલાઓ માટે આ કોઈ નવો નિયમ નથી, પરંતુ અપ્રમાણસર સંપત્તિના કેસોમાં આવકનો સ્ત્રોત સાબિત કરવો જ પડે છે.

આ ચુકાદા બાદ કાનૂની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે નાગરિકોએ સોનાના અસલ બિલ, ચુકવણીના રેકોર્ડ, વારસાના દસ્તાવેજો અથવા વસિયતનામા સુરક્ષિત રાખવા જોઈએ જેથી ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓથી બચી શકાય. અગાઉના સમયમાં પણ ટેક્સ સત્તાવાળાઓ દ્વારા દાગીનાની જપ્તી અને તેના સ્ત્રોતની ચકાસણીને લઈને અદાલતોમાં અનેક વિવાદો સામે આવ્યા છે, ત્યારે આ ચુકાદો આવનારા સમયમાં આવા કેસોમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

(10:53 PM IST)