<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સોનું માત્ર લોકરમાં સુરક્ષિત જ નહીં પરંતુ બજારમાં સક્રિય થઈ કમાણી પણ કરાવશે: દેશમાં ‘બુલિયન બેંક’ સ્થાપવા સરકારને વિસ્તૃત પ્રસ્તાવ

વિદેશી નિર્ભરતા અને દરવર્ષે રૂ.7 લાખ કરોડનું ભારણ ઘટાડવાનો પ્લાન : નિષ્ક્રિય પડેલા સોનાને અર્થવ્યવસ્થાની મુખ્યધારામાં લાવવા માટે ક્રાંતિકારી યોજના :ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન' (AIJGF) એ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને વિશેષ બ્લુપ્રિન્ટ સોંપી

નવી દિલ્હી :ભારતીય પરિવારોમાં સોના પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. લગ્નપ્રસંગ હોય કે તહેવાર,આપણી મહેનતની કમાણીનો એક મોટો હિસ્સો સોનાના દાગીના કે બિસ્કિટ ખરીદવામાં રોકીએ છીએ. પરંતુ, ખરીદી કર્યા પછી આ કીમતી ધાતુ વર્ષો સુધી ઘરની તિજોરીઓમાં અથવા બેંકના લોકરમાં નિષ્ક્રિય પડી રહે છે. આ બંધ સોનું દેશની અર્થવ્યવસ્થા માટે કોઈ કામમાં આવતું નથી. હવે આ જ નિષ્ક્રિય પડેલા સોનાને અર્થવ્યવસ્થાની મુખ્યધારામાં લાવવા માટે સરકાર એક ક્રાંતિકારી યોજના પર વિચાર કરી રહી છે. દેશમાં ‘બુલિયન બેંક’ સ્થાપવા માટે સરકારને એક વિસ્તૃત પ્રસ્તાવ મળ્યો છે. જો આ યોજના લાગુ થશે, તો તમારું સોનું માત્ર લોકરમાં સુરક્ષિત જ નહીં રહે, પરંતુ બજારમાં સક્રિય થઈને કમાણી પણ કરાવશે.

 

ભારત પોતાની સોનાની વિશાળ સ્થાનિક માંગને પહોંચી વળવા માટે મોટાભાગે વિદેશી બજારો પર નિર્ભર છે. આંકડા અનુસાર, ભારત દર વર્ષે આશરે 700 થી 800 ટન સોનું આયાત (Import) કરે છે. આ આયાત પાછળ દેશની તિજોરીમાંથી દર વર્ષે અંદાજે 7 લાખ કરોડ રૂપિયા (72.4 અબજ ડોલર) બહાર જાય છે. આ એક એટલી મોટી રકમ છે જે આપણા વિદેશી હૂંડિયામણ પર ભારે દબાણ લાવે છે.

 

આ આર્થિક પડકારનો સામનો કરવા માટે 'ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન' (AIJGF) એ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને એક વિશેષ બ્લુપ્રિન્ટ સોંપી છે. ફેડરેશનની માંગ છે કે સોનાની માંગને દબાવવા માટે નિયમો કડક કરવાને બદલે, દેશની અંદર જ ઉપલબ્ધ સોનાનો સ્માર્ટ ઉપયોગ કરવો જોઈએ.

 

આ પ્રસ્તાવિત બુલિયન બેંક ફ્રેમવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ઘરો, દેશના મોટા અને સમૃદ્ધ ધાર્મિક સ્થળોના ખજાના તેમજ ગોલ્ડ ઈટીએફમાં પડેલા નિષ્ક્રિય સોનાને બહાર લાવવાનો છે. આ બેંકિંગ સિસ્ટમ હેઠળ જમા થયેલા સોનાને માર્કેટમાં લોન તરીકે ફેરવવામાં આવશે.

 

આનો સીધો ફાયદો દેશના આભૂષણ વેપારીઓ, રિફાઇનર્સ અને નિકાસકારોને થશે. તેમને પોતાનો વ્યવસાય ચલાવવા માટે આ સોનું ઉધાર પર મળી રહેશે. જ્યારે સ્થાનિક બજારમાંથી જ જ્વેલર્સને સોનું મળવા લાગશે, ત્યારે વિદેશથી નવું સોનું મંગાવવાની જરૂરિયાત ઘણી ઓછી થઈ જશે. પરિણામે દેશનું કીમતી વિદેશી હૂંડિયામણ બચી જશે.

હાલની વ્યવસ્થામાં જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાં જાય છે, ત્યારે કાં તો તે લોકરમાં સોનું સુરક્ષિત રાખે છે અથવા તો કટોકટીના સમયે તેના પર ધિરાણ (ગોલ્ડ લોન) લે છે. આ બંને સ્થિતિમાં સોનું આર્થિક રીતે સક્રિય થતું નથી. પરંતુ 'બુલિયન બેંક' નો કોન્સેપ્ટ આખી સિસ્ટમ બદલી નાખશે. આમાં જમા કરાયેલા સોનાને એક 'એક્ટિવ કરન્સી' (સક્રિય ચલણ) તરીકે ગણવામાં આવશે, જે બજારના ચક્રને ગતિ આપશે.

જ્વેલર્સ ફેડરેશનનું માનવું છે કે આ મોડલથી દેશમાં સોનાની સપ્લાય ચેઈન ખૂબ જ મજબૂત બનશે. આ યોજનાને વહેલી તકે જમીન પર ઉતારવા માટે સરકારે એક સંયુક્ત પરામર્શ સમિતિ  બનાવવી જોઈએ, જેમાં નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ જગતના નિષ્ણાતો સામેલ હોય. આ પેનલ એક પારદર્શક, સુરક્ષિત અને કડક નિયમનકારી માળખું તૈયાર કરશે, જેથી આ નવી સિસ્ટમ પર સામાન્ય જનતાનો વિશ્વાસ અતૂટ રહે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે, તો આવનારા દિવસોમાં ભારતીય સોનું દેશની પ્રગતિનું નવું એન્જિન બનશે.

(7:10 PM IST)